રાજકોટ મનપા ફૂડ ટેસ્ટિંગ લેબ બનાવવા માટે તૈયારી કરી રહી છે આ માટે જગ્યાની તપાસ થઈ રહી છે. બીજી તરફ લેબમાં કામગીરી કરી શકે તે માટે ભરતી પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે. રાજ્યભરમાં હાલના સમયે ભેળસેળીયા ખાદ્ય પદાર્થોના અનેક કિસ્સાઓ આવી રહ્યા છે. ભેળસેળ અટકાવવા માટે મહત્તમ સેમ્પલ લઈને ટૂંકામાં ટૂંકા ગાળામાં તેના રિપોર્ટ આવે અને નફા માટે ભેળસેળ કરતા તત્ત્વો સામે કાર્યવાહી થાય તો જ ભેળસેળ અટકાવી શકાય છે.
આ પ્રક્રિયા સામે સૌથી મોટો પડકાર એ છે કે જે પણ સેમ્પલ મહાનગરપાલિકા લે છે તેનું પરિણામ ત્રણથી ચાર મહિને આવે છે. એટલે કે કોઇ ધંધાર્થી સિઝનલ વેપાર કરતો હોય અને ત્યાંથી સેમ્પલ લેવામાં આવે તો સિઝન પૂરી થયા બાદ તેનું રિઝલ્ટ આવે ત્યાં સુધીમાં ભેળસેળ કરીને લાખો રૂપિયા કમાઈ લેવાયા હોય છે.