શહેરના પોપટપરા પાસે નવા બંધાતા પ્રધાનમંત્રી આવાસ યોજના બિલ્ડિંગમાં મજૂરીકામ કરતાં એમપીના યુવકનું બે દિવસ પહેલાં વહેલી સવારે બીજા માળેથી પટકાતાં મોત થયું હતું. જે બનાવમાં હત્યા થયાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.
મધ્યપ્રદેશના દેહડલા ગામે રહેતા રમેશભાઇ મગનભાઇ વાસ્કેલાએ ફરિયાદ નોંધાવી હતી કે, તે હાલ જામનગરના કાલાવડ તાલુકાના ખરેડી ગામે રહેતા હોવાનું અને તેનો નાનોભાઇ પિન્ટુ છેલ્લા એક માસથી રાજકોટમાં પોપટપરા પાસે આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનાના નવા બંધાતા બિલ્ડિંગમાં સેન્ટ્રીંગ કામ કરતો હોય અને તેના જ ગામનો સુરેશ હેમતા વાસ્કેલા સાથે ઓરડીમાં ત્યાં રહેતો હોય તા.15ના રોજ તેના ગામના રાજુભાઇનો ફોન આવેલ કે, પિન્ટુભાઇ બિલ્ડિંગના બીજા માળેથી નીચે પડી ગયો હોવાનું અને તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો હોવાનું જણાવ્યું હતું. જેથી તે રાજકોટ આવ્યા હતા અને થોડીવાર બાદ તેના ભાઇનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.