પડધરીના સાલપીપળિયાના ખેડૂતને વ્યાજે રૂપિયા આપી જમીનનો દસ્તાવેજ કરાવી લીધો

રાજકોટમાં સાધુ વાસવાણી રોડ પર બાલાજી ચોક પાસે રહેતા ખેડૂતને 35 લાખ રૂપિયા વ્યાજે આપી પડધરીના સાલ પીપળિયાની વાડીના દસ્તાવેજ ગીરવે રાખવાનું કહી અસલી દસ્તાવેજ કરાવી તમારે ચાર કરોડ આપવા પડશે કહી કિંમતી વાડીનો દસ્તાવેજ કરાવી લીધાની ફરિયાદ કરતાં પડધરી પોલીસે કલ્પેશ દોંગા સહિત ત્રણ સામે છેતરપિંડી સહિતનો ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સાધુ વાસવાણી રોડ પર રહેતા અને ખેતીકામ કરતાં વિશાલભાઇ બાબુભાઇ ગઢિયાએ અગાઉ મકાન લીધું હોય અને તેની બેંકમાં લોન ચાલતી હતી તેમજ ફાઇનાન્સમાંથી વધુ લોન લઇને ફ્લેટ લીધો હતા જેના હપ્તા ચાલુ હોય તે દરમિયાન તેની પત્ની બીમાર પડી હતી અને તેનો ભાઇ પડી જતા હોસ્પિટલનો ખર્ચે આવ્યો હોય તેના ભાઇ રાજેશને વાત કરતાં તેને 150 ફૂટ રિંગ રોડ પર પટેલ ઇન્વેસ્ટમેન્ટ નામે ઓફિસ ચલાવતા અલ્પેશ દોંગા પાસે જઇને પૈસાની વાત કરી હતી. જેથી તેને જમીનનું સિક્યુરિટી પેટે લખાણ કરવાની વાત કરી હતી. બાદમાં જમીન તેના માતાના નામે હોય તેના ભાઇ અને માતા ત્યાં ગયા હતા અને વાડીના ઓરિજિનલ દસ્તાવેજની ફાઇલ આપી હતી જેથી તેને મામલતદાર ઓફિસે આવવાનું કહ્યું હતું. બાદ ત્યાં ગયા હતા અને સહીઓ કરાવી લઇને તમારા પૈસા બે દિવસમાં આવી જશે કહી બે દિવસ બાદ તેની માતાના બેંક ખાતામાં 35 લાખ જમા કરાવ્યા હતા.

બાદમાં તેને કટકે કટકે 13 લાખ આપ્યા હતા. બાદમાં તેની વાડીએ માણસોએ ફોન કરી કહ્યું કે, આપણી વાડીએ આવો જમીન ખાલી કરાવવા કેટલાક શખ્સો આવ્યા છે. જેથી તે વાડીએ જતા ત્યાં અલ્પેશભાઇની ઓફિસે પૈસા આપવાની વાત કરનાર વત્સલભાઇ સખિયા અને તેના પિતા રસિકભાઇ સખિયા સહિતના લોકો આવ્યા હતા અને તેને આ વાડી હવે અમારી માલિકીની છે. તમે ખાલી કરી દેજો કહી ચાલ્યા ગયા હતા. બાદમાં વિશાલભાઇ ઘેર આવી વાત કરી હતી અને અલ્પેશને વાત કરી તેની ઓફિસે તેને મળવા જતા તેને તમે અમારી પાસેથી ચાર કરોડ લીધા છે અને અગાઉના 35 લાખ મળીને બધા રૂપિયા આપી દેજો પછી તમારી જમીન તમને મળશે તેમ કહેતા તેને એક કાગળ કાઢી હિસાબ બતાવ્યો હતો. જેમાં તેના ભાઇની સહીઓ હતી જેથી તેના ભાઇને વાત કરતા તેને આવા કોઇ પૈસા લીધા ન હોવાનું જણાવી સબ રજિસ્ટ્રાર ઓફિસમાં તપાસ કરતાં તેની જમીન છેતરપિંડીથી વત્સલભાઇ સખિયાના નામે થઇ ગયાનું જણાવતા વિશાલભાઇએ અલ્પેશ દોંગા, વત્સલ રસિકભાઇ સખિયા અને રસિકભાઇ સખિયા સામે ફરિયાદ કરતાં પીએસઆઇ પરમાર સહિતે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *