મકરસંક્રાંતિ નજીક આવી રહી છે ત્યારે રાજકોટવાસીઓ અત્યારથી જ પતંગ ઉડાવવા લાગ્યા છે, પરંતુ તેમની આ મજા અબોલ જીવો માટે મોતની સજારૂપ બની રહે છે. પતંગ ઉડાવવા માટે ઉપયોગમાં લેવાતી કાતિલ ચાઇનીઝ દોરી લેબ્રાડોર શ્વાન માટે ઘાતક સાબિત થઈ છે. રેલનગર વિસ્તારના 1 વર્ષના આ પાલતુ શ્વાનના ગળામાં ચાઇનીઝ દોરી ફસાઈ જતાં તેને રૈયા રોડ પરના કરુણા ફાઉન્ડેશનની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં શ્વાનના સ્કિન અને મસલ્સમાં 37 ટાકા લઇ તેનો જીવ બચાવવામાં આવ્યો હતો
રાજકોટના ફાઉન્ડેશનમાં વેટરનરી ડોક્ટર તરીકે ફરજ બજાવતા ડૉ. દીપ સોજીત્રાાએ જણાવ્યું હતું કે, અમારી પાસે બે દિવસ પહેલા 1 વર્ષનું લેબ્રાડોર શ્વાન લઇને રેલ નગર વિસ્તારમાંથી આવ્યા હતા. કોઈપણ કારણસર મકાન માલિકના ઘરનો દરવાજો ખુલ્લો રહી જતા શ્વાન ઘરની બહાર ચાલ્યું ગયું હતું. થોડા સમય બાદ તે શ્વાન ઘરે પરત ફર્યું ત્યારે તેનાં ગળામાંથી લોહી નિકળી રહ્યું હતું અને મજબૂત દોરી ફસાઈ જવાને કારણે ગળામાં ઊંડો ચેકો પડી ગયો હતો. જેથી શ્વાનના ગળામાંથી માલિકે તે ચાઈનીઝ દોરી કાઢી તુરંત અહીં લઈ આવ્યા હતા.