ખેતરમાં હલણ પ્રશ્ન, ટ્રેક્ટર ચલાવવા બાબતે બંને પરિવાર વચ્ચે થતાં ઝઘડાનો લોહિયાળ અંત

ગોંડલ તાલુકાના વોરાકોટડા ગામે જમીન પ્રશ્ને ભાઈઓ વચ્ચે થયેલી તકરાર લોહિયાળ સાબિત થઈ હતી. કાકા તથા તેના પુત્ર સહિત ના પરીવારે કરેલા હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા આ આધેડનું મોત થયું હતું. જ્યારે તેના પુત્રને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે. હત્યાની ઘટનાને લઇ ગોંડલ તાલુકા પોલીસે મૃતકના પુત્રની ફરિયાદ લઇ તપાસ હાથ ધરી છે.

ગોંડલ-વોરાકોટડા મર્ડર કેસમાં તાલુકા પોલીસે હત્યા કરનાર ચીનુભાઇ જીણાભાઇ સાકરીયા તેની પત્નિ સવિતાબેન પુત્ર અજય ઉર્ફ ટીટો તેની પત્નિ હેતલની વોરાકોટડાની સીમમાંથી ઝડપી લઇ ધરપકડ કરી પુછપરછ હાથ ધરી છે.

બનાવની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વોરાકોટડા ગામે રહેતા રાજેશ ઉર્ફે રમેશભાઈ સાકરીયા અને તેના પુત્ર અનિલ સાકરિયા પર રાત્રીના દોઢેક વાગે તેમના પિતાની વાડીએ હતા ત્યારે રમેશભાઇના કાકા ચીનુ સાકરીયા તેના પત્નિ સવિતાબેન, પુત્ર અજય ઉર્ફ ટીટો તેની પત્નિ હેતલે ઝઘડો કરી છરી વડે હુમલો કરી દેતા છરીનાં ચારથી પાંચ ઘા રાજેશભાઇને લાગતા લોહીલુહાણ હાલતમાં ઢળી પડયા હતા. પુત્ર અનિલને છરીનાં લાગતા બંને ગંભીર રીતે ઘવાયા હતા. જેથી બંનેને પ્રથમ સારવાર માટે ગોંડલ સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં સારવાર કારગત નિવડે તે પૂર્વે જ રમેશભાઇ ઉર્ફે રાજેશભાઇનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો, ઇજાગ્રત અનિલને સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો.

બનાવ અંગે મૃતક રાજેશભાઈનાં પુત્ર અનિલે ફરિયાદમાં ચિનુ જીણા સાકરીયા, પત્નિ સવિતાબેન તેનો પુત્ર અજય ઉર્ફ ટીટો તથા તેની પત્નિ હેતલબેનનાં નામ આપી જણાવ્યુ કે રાત્રીનાં મારા દાદા નાથાભાઈ ની વાડીનાં સેઢા પાસે આરોપીઓ દ્વારા બે ફુટ જમીન ખેડી નાખતા ઉશ્કેરાયેલા આરોપીઓ ગત રાતે મારા દાદાની વાડીએ જઈ અપશબ્દો બોલી જગડો કરી રહ્યા હતા.તેની જાણ મારા પિતાને થતા હું અને મારા પિતા દાદા ની વાડીએ પંહોચ્યા હતા.અને સમજાવવા જતા અમારી ઉપર છરીથી હુમલો કર્યો હતો.

રમેશ ઉર્ફે રાજેશભાઈ અને તેના પુત્ર અનિલ પર છરી વડે હુમલો કરનાર ચિનુ સાકરીયા રાજેશભાઈના કાકા છે જ્યારે અજય ઉર્ફ ટીટો તેનો ભાઇ છે. વારસાઈ જમીન બાબતે ભાઈઓ વચ્ચે છેલ્લા ઘણા સમયથી માથાકૂટો ચાલતી હતી. ખેતરમાં હલણ પ્રશ્ન તેમજ ટ્રેક્ટર ચલાવવા બાબતે બંને પરિવાર વચ્ચે ઝઘડાઓ થતા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *