રાજકોટના પીપળિયામાં શિક્ષણ વિભાગની માન્યતા વિના ધો.1થી 10ના વિદ્યાર્થીઓને દંપતી ભણાવતું

રાજકોટના ઇન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા પિપળિયા ગામમાં બોગસ સ્કૂલ ઝડપી લેવામાં આવી છે. એક વિદ્યાર્થીને સ્કૂલ દ્વારા લિવિંગ સર્ટિફિકેટ આપવામાં ન આવતા તપાસમાં સમગ્ર ઘટસ્ફોટ થયો હતો. રાજ્યના શિક્ષણ વિભાગની માન્યતા વિના સ્કૂલ ધમધમતી હોવાનું સામે આવ્યું છે. જેમાં શિક્ષણ વિભાગની માન્યતા વિના ધોરણ 1થી 10ના વિદ્યાર્થીઓને ભણાવવામાં આવતા હતા. જો કે, હાલ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા સ્કૂલને સીલ કરવામાં આવી છે અને પોલીસ ફરિયાદ માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તપાસ દરમિયાન રાજકોટ શહેરની ત્રણ ખાનગી સ્કૂલના લિવિંગ સર્ટિફિકેટ પણ મળી આવ્યા છે. જો કે, આ ત્રણ સ્કૂલ કઈ છે તે હજુ જાહેર થયું નથી.

રાજકોટના ઇન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિમલ ગઢવીએ જણાવ્યું હતું કે, રાજકોટ તાલુકાના પિપળિયા ગામમાં નવીનનગરમાં આવેલી ગૌરી પ્રિ-પ્રાઈમરી સ્કૂલમાં એક વિદ્યાર્થીને લિવિંગ સર્ટિફિકેટ આપતા ન હતા. આ પ્રકારની ફરિયાદ તાલુકા પ્રમુખ કેતનભાઈ કથીરિયા દ્વારા મળી હતી. જેથી આજે તપાસ માટે ત્યા પહોંચ્યા હતા. જે દરમિયાન સામે આવ્યું કે, શિક્ષણ વિભાગની માન્યતા વિના વર્ષ 2018થી અત્યારસુધી એટલે કે છ વર્ષથી બોગસ સ્કૂલ ધમધમતી હતી. સ્કૂલના સંચાલકો પાસે કોઈપણ પ્રકારના ડોક્યુમેન્ટ જ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *