શહેરના સહકાર મેઇન રોડ પરની રઘુવીર સોસાયટીમાં રહેતી અને અગાઉ ગર્ભપાતના ગોરખધંધામાં ઝડપાઇ ચૂકેલી સરોજ વિનોદ ડોડિયા (ઉ.વ.40)એ ફરી ગોરખધંધા શરૂ કર્યા હતા. પોલીસે સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસેની સીતાજી ટાઉનશિપના એક ક્વાર્ટર્સમાં દરોડો પાડી સરોજ ડોડિયાને ગર્ભપરીક્ષણના ગુનામાં રંગે હાથ ઝડપી લીધી હતી. સરોજ ડોડિયા અગાઉ ઝડપાઇ જવાને કારણે સતર્ક બની હતી અને ગ્રાહકો શોધવા માટે મહિલા દલાલ રાખી હતી. પોલીસે મહિલા દલાલનો સંપર્ક કર્યા બાદ ઓપરેશન પાર પાડ્યું હતું. સરોજ ડોડિયાએ મહિલા કોન્સ્ટેબલનું ગર્ભપરીક્ષણ કરતાં જ એસઓજીના પીઆઇ એસ.એમ.જાડેજા સહિતની ટીમ ખાબકી હતી અને સરોજને ઝડપી લઇ સ્થળ પરથી સોનોગ્રાફી મશીન સહિત કુલ રૂ.4,10,150નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. દરોડાની જાણ થતાં દલાલ મહિલા ભૂગર્ભમાં ઉતરી ગઇ હતી.સરોજે ધોરણ 12 સુધી જ અભ્યાસ કર્યો હતો .
રઘુવીર સોસાયટીમાં રહેતી અને અગાઉ ગર્ભપાતના ગુનામાં સંડોવાઇ ચૂકેલી સરોજ વિનોદ ડોડિયા (ઉ.વ.40)એ ફરીથી ગર્ભપરીક્ષણ અને ગર્ભપાતના ગોરખધંધા શરૂ કર્યાની એસઓજીના પીઆઇ એસ.એમ.જાડેજા, હેડ કોન્સ્ટેબલ જયદીપસિંહ ચૌહાણ, કોન્સ્ટેબલ અનોપસિંહ ઝાલાને માહિતી મળતાં તેમણે ખાનગી રાહે તપાસ શરૂ કરી હતી. અગાઉ પોલીસે પકડી લીધી હોય અને જેલયાત્રા પણ થઇ ચૂકી હોવાથી સરોજ આ વખતે વધુ સતર્ક બની હતી અને તે સીધી કોઇની સાથે આ બાબતે વાત કરતી નહોતી. તેણે આ કામ માટે મહિલા દલાલો રાખી હતી. એસઓજીની ઉપરોક્ત ટીમને એક મહિલા દલાલનો નંબર મળ્યો હતો અને તે મોબાઇલ નંબર પર કોન્સ્ટેબલ મીતલબેન ગોહિલે વાર્તાલાપ શરૂ કર્યો હતો. મીતલબેને મહિલા દલાલને કહ્યું હતું કે, તેમના બહેનને બે પુત્રી છે અને તે ફરીથી સગર્ભા છે, પુત્ર હોઇ તો તેને જન્મ આપવો છે અને દીકરી હોય તો ગર્ભપાત કરાવી નાખવો છે.