રાજકોટ સહિત રાજ્યભરમાં ડમી સ્કૂલનું દૂષણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે ત્યારે થોડા સમય અગાઉ જ રાજકોટના શાળા સંચાલકોએ જ શિક્ષણ વિભાગમાં ફરિયાદ સ્વરૂપની રજૂઆત કરી હતી જેમાં ડમી સ્કૂલના દૂષણને નાથવા જણાવ્યું હતું. જેના આધારે શિક્ષણબોર્ડની એક ટીમે ગુરુવારે રાજકોટમાં નકલી સ્કૂલ શોધવા સરપ્રાઈઝ ચેકિંગ કર્યું હતું પરંતુ આ ટીમને કશું શંકાસ્પદ મળ્યું ન હોવાનું જાણવા મળ્યું છે. બોર્ડની ટીમે શાળામાં હાજરી, રજિસ્ટ્રેશન, ફી સહિતની બાબતોની તપાસ કરી હોવાનું જાણવા મળ્યું છે.
રાજકોટ જિલ્લામાં નકલી શાળાઓ ધમધમતી હોવાની થયેલી ફરિયાદના આધારે શિક્ષણબોર્ડની ટીમે શહેરના જુદા-જુદા વિસ્તારમાં આવેલી શાળાઓમાં સરપ્રાઈઝ ચેકિંગ કર્યું હતું. બોર્ડની ટીમે સ્થાનિક શિક્ષણતંત્રને પણ સાથે રાખ્યું ન હતું અને માત્ર ટીમના સભ્યોએ જ પોતાની રીતે ચેકિંગ કર્યું હતું. જિલ્લામાં થોડા સમય પહેલા જ માલિયાસણ પાસે ગૌરી ઈંગ્લીશ મિડિયમ સ્કૂલ નામની નકલી શાળા પકડાઈ હતી. આ પ્રકારની હજુ અનેક ડમી શાળાઓ ધમધમતી હોવાની શિક્ષણ વિભાગને કરાયેલી ફરિયાદના આધારે બોર્ડની ટીમે રાજકોટમાં ધામા નાખ્યા હતા. જો કે તેમને કશું શંકાસ્પદ ન મળ્યું હોવાનું જાણવા મળ્યું છે. ગાંધીનગર સુધી થયેલી ફરિયાદના આધારે ચેકિંગ આવતા ખાનગી શાળા સંચાલકોમાં ફફડાટ ફેલાયો હતો.