રાજકોટમાં મંગળવારે (16 જુલાઈ) આવેલા બે ઇંચ વરસાદમાં શહેર પાણી-પાણી થઇ ગયું હતું. જેમાં નાનામવા રોડ પર વરસાદી પાણી ભરાયાં હોવાથી વાહન લઈને જતી 22 વર્ષીય યુવતી સ્ટ્રીટ લાઇટ પોલમાં અથડાતાં રસ્તા પર પાણી ભરાયેલું હોવાથી વીજ શોક લાગતાં તે સ્થળ પર જ ઢળી પડી હતી. યુવતીને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતું, પરંતુ સારવાર કારગત નીવડે એ પૂર્વે જ પ્રાણપંખેરું ઊડી ગયું હતું. હાલમાં આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ઘટના અંગે તાલુકા પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હરિદ્વાર હાઇટ્સ બી વિંગમાં રહેતી નિરાલી વિનોદભાઈ કુકડિયા (ઉં.વ.22) નામની કોલેજિયન યુવતી મંગળવારે રાત્રિના 8 વાગ્યા આસપાસ ચાલુ વરસાદે પોતાનું ટૂ-વ્હીલર લઈને જતી હતી. ત્યારે નાનામવા રોડ નજીક આવેલી સત્યસાંઈ હોસ્પિટલ પાસેથી પસાર થતા સમયે તેની સાથે અકસ્માત સર્જાયો હતો. નજીકમાં રોડ પર પહોંચતાં ત્યાં વીજપોલ હોવાથી અને પાણીમાં ચાલુ વીજ વાયરમાંથી યુવતીને કરંટ લાગતાં તે બેભાન થઈ ઢળી પડી હતી. બનાવને પગલે લોકોનાં ટોળાં એકઠાં થઈ જતાં તેને સારવાર અર્થે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી.