વૈશાલીનગરમાં એક જ રાત માટે બંધ મકાન તસ્કરોની નજરે ચડી ગયું

તસ્કરોએ વૈશાલીનગરમાં એક દિવસ માટે બંધ રહેલા મકાનને નિશાન બનાવી અંદર ખાબકી રૂ.1.50 લાખની રોકડ ઉઠાવી ગયા હતા. વૃદ્ધાને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. વૃદ્ધા હોસ્પિટલમાં હતા જ્યારે તસ્કરોએ મકાનમાં ઘૂસી દલ્લો તફડાવી ગયા હતા.

વૈશાલીનગરમાં રહેતા મેરૂભાઇ લક્ષ્મણભાઇ ખાચરે (ઉ.વ.70) ચોરીની ઘટના અંગે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મેરૂભાઇએ જણાવ્યું હતું કે, તેમના પત્ની મનુબેનની ગત તા.17ના તબિયત લથડતાં તેમને રૈયા ચોકડી પાસે આવેલી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મકાનની ચાવી પાડોશીને આપી હતી. તા.18ના મેરૂભાઇ પોતાના ઘરે ગયા હતા અને પાડોશીને ત્યાંથી ચાવી લઇને મુખ્ય દરવાજાનું તાળું ખોલી અંદર પ્રવેશ્યા હતા. રૂમને તેમણે તાળું માર્યું હતું તે તાળું નકૂચા સહિત નીચે પડ્યું હતું અને દરવાજો ખાલી બંધ હતો. મેરૂભાઇએ રૂમમાં જઇને તપાસ કરી તો કબાટનું તાળું તૂટેલું હતું અને તેમાં રાખેલા રૂ.1.50 લાખ રોકડા ગાયબ હતા. મેરૂભાઇએ કહ્યું હતું કે, ચોરી થયેલી રકમ તેમના કૌટુંબિક બે સાળા કે જેઓ સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરે છે તેમણે પોતાના પગારની રકમ કટકે કટકે બચત કરીને સાચવવા આપી હતી તે હતી. પોલીસે ગુનો નોંધ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *