શહેરના ગોંડલ રોડ વિસ્તારમાં રહેતી પરપ્રાંતીય પરિવારની 14 વર્ષની વયની પુત્રી બે મહિના પહેલાં ગુમ થઇ ગઇ હતી. તરુણીને ઉત્તર પ્રદેશનો વતની ઉઠાવી ગયાનું ખૂલતા પોલીસની ટીમ દોડી ગઇ હતી અને બંનેને રાજકોટ લઇ આવી હતી. તરુણીને ફસાવીને પરપ્રાંતીય શખ્સે ઉત્તર પ્રદેશમાં અનેક વખત શારીરિક બળજબરી કર્યાનું ખૂલતાં પોલીસે પોક્સો સહિતની કલમનો ઉમેરો કરી તપાસ આગળધપાવી હતી.
ધોરણ 6માં અભ્યાસ કરતી 14 વર્ષની તરુણી બે મહિના પહેલાં ગુમ થઇ ગઇ હતી. પોલીસે તા.28 એપ્રિલના અજાણ્યા શખ્સ સામે અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. તરુણી લાપતા થઇ તે દિવસથી જ ઉત્તર પ્રદેશનો વતની અને ગોંડલ રોડ પરના ગીતાનગર વિસ્તારમાં રહી ટ્રાન્સપોર્ટમાં નોકરી કરતો પિન્ટુ રાજુ રાણા (ઉ.વ.26) પણ લાપતા હોવાથી પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી હતી. પિન્ટુ રાણા તરુણીને ઉત્તર પ્રદેશ ભગાડી ગયાની માહિતી મળતાં પોલીસની ટીમ યુપી દોડી ગઇ હતી. પોલીસ પહોંચી ત્યારે પિન્ટુ અને તરુણી બંને મળી આવતા બંનેને રાજકોટ લઇ આવવામાં આવ્યા હતા.
પોલીસ પૂછપરછમાં તરુણીએ પોલીસ સમક્ષ કહ્યું હતું કે, અપરિણીત પિન્ટુ રાણાએ તેને પ્રેમજાળમાં ફસાવી હતી અને રાજકોટથી પોતાના વતન યુપી લઇ ગયો હતો જ્યાં તેની સાથે અનેક વખત શરીરસંબંધ બાંધ્યા હતા. પોલીસે પિન્ટુ રાણા સામે પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તેની સઘન પૂછપરછ શરૂ કરી હતી પિન્ટુ રાણા સગીરાને રાજકોટથી યુપી કેવી રીતે લઈ ગયો? રસ્તામાં ક્યાં-ક્યાં રોકાણો તેને કોણે-કોણે આર્થિક સહિતની મદદ કરી તે સહિતના મુદ્દે પણ પોલીસે આરોપીની પુછપરછ શરૂ કરી હતી. શ્રમિક અને પરપ્રાંતીય પરિવારની પુત્રીને ઉત્તર પ્રદેશથી પોલીસ શોધી લાવતાં તરુણીના પરિવારજનોએ પોલીસની કામગીરીને બિરદાવી હતી.