કોઠારીયા સોલ્વન્ટમાં આવેલ ગુલાબનગરમાં રહેતો મૂળ બિહારી સચીન તાલા શાહ (ઉ.વ.15) ગઈકાલે સવારે ઘરેથી નીકળ્યો હતો. બાદમાં સાંજ સુધી ઘરે પરત નહીં ફરતા પરિવારજનોએ તપાસ હાથ ધરી હતી. દરમિયાન આજે સવારે આજીડેમ પાસે લાશ તરતી હોવાની સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતા આજીડેમ પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહ બહાર કાઢી મૃતકના પરિવારજનોને જાણ કરી હતી. મૃતક ધો.10માં અભ્યાસ કરતો હતો, પરંતુ સ્કૂલે જવાને બદલે આપઘાત કરવા પહોંચી ગયો હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. આપઘાતના કારણ અંગે પરિવારજનો પણ અજાણ હોવાથી પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી છે.