રાજકોટ શહેરમાં ધુળેટીના દિવસે વધુ અેક અગ્નિકાંડ સર્જાયો હતો, જેમાં કમનસીબે ત્રણ યુવક ભડથું થઇ ગયા હતા, આ મામલામાં ઘટનાસ્થળ એટલાન્ટિસ એપાર્ટમેન્ટમાં દાખવવામાં આવેલી લાપરવાહીથી ત્રણ યુવકની જિંદગીનો અંત આવી ગયો હતો, પોલીસે અા મામલે મહાનગરપાલિકા અને પીજીવીસીએલ પાસેથી કેટલાક આધાર પુરાવા મગાવ્યા છે અને તે આવ્યા બાદ જેની જવાબદારી નક્કી થશે તેની સામે ગુનો નોંધાવાના એંધાણ વર્તાઇ રહ્યા છે.
150 ફૂટ રિંગ રોડ પર બિગબજારની સામે આવેલા એટલાન્ટિસ એપાર્ટમેન્ટના છઠ્ઠા માળે શુક્રવારે અચાનક આગ ભભૂકી ઉઠી હતી અને અા આગમાં વીરસાવરકરનગરમાં રહેતા સ્વિગીના ડિલિવરીમેન અજય ખીમજીભાઇ મકવાણા (ઉ.વ.31) તેમજ બ્લિંકિટના ડિલિવરી બોય મૂળ ઊના પંથકના અને રાજકોટ રહેતા કલ્પેશ પીઠાભાઇ લેવા (ઉ.વ.29) તથા તેના કૌટુંબિક ભત્રીજા મયૂર વિનુભાઇ લેવા (ઉ.વ.19)નું ગંભીર રીતે દાઝી જવાથી મૃત્યુ થયું હતું, ટીઆરપી ગેમ ઝોનની દુર્ઘટના બાદ વધુ એક અગ્નિકાંડ થતાં ત્રણ જિંદગી હોમાઇ જતા ચકચાર મચી ગઇ હતી.
પોલીસે આ મામલે હાલમાં એક્સિડેન્ટલ ડેથ (એડી) નોંધી તપાસ ચાલુ કરી છે. ડીસીપી ઝોન-2 જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, આ ઘટના માટે કોણ જવાબદાર છે તે સ્પષ્ટ કરવા માટે મહાનગરપાલિકાના ફાયર વિભાગ તથા ટાઉન પ્લાનિંગ વિભાગને પત્ર પાઠવવામાં આવ્યો છે, ઘટના જ્યાં બની તે અેટલાન્ટિસ બિલ્ડિંગને ફાયર એનઓસી હતું કે નહીં ?, ફાયર સિસ્ટમ યોગ્ય રીતે કામ કરતી હતી કે નહી?, આ અંગેની તકેદારીની જવાબદારી કોની છે? તે સહિતની બાબતો ફાયર વિભાગ પાસેથી માહિતી મળશે. આ ઉપરાંત એટલાન્ટિસ એપાર્ટમેન્ટમાં મંજૂરી મુજબનું બાંધકામ હતું, બીયુ સર્ટિફિકેટ હતું કે કેમ, બિલ્ડિંગનું સંચાલન બિલ્ડર પાસે જ હતું કે એસોસિએશન પાસે તે સહિતની માહિતી ટાઉન પ્લાનિંગ શાખા પાસેથી મળશે તથા શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું પ્રાથમિક તારણ છે ત્યારે બિલ્ડિંગમાં નિયત પાવર જથ્થો જ ઉપયોગમાં લેવાતો હતો કે ગેરકાયદે વધુ પાવર લેવાથી આ ઘટના બની હતી તે સ્પષ્ટ કરવા પીજીવીસીએલ પાસેથી પણ માહિતી માગવામાં આવી છે અને તે માહિતી મળ્યે આ દુર્ઘટના માટે કોણ જવાબદાર છે તે સ્પષ્ટ થશે, જેની જવાબદારી નક્કી થશે તેની સામે ગુનો નોંધવામાં આવશે તેવું તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું.