ગત રાત્રે વડોદરાના નેશનલ હાઈવે પર આવેલ દેના ચોકડી પાસે કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં કારને ટ્રકે ટક્કર મારતા કારનું પડીકું વળી ગયું હતું. આથી સ્થાનિક લોકો અને પોલીસે કારના પતરા તોડી અંદર રહેલા 4 લોકોનું રેસ્ક્યુ કર્યું હતું. ઈજાગ્રસ્ત ચારેય લોકોને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, તમામની તબિયત સ્ટેબલ હોવાનું તબીબોએ જણાવ્યું છે
વડોદરા શહેરના દેના ચોકડી પર ગતરાત્રે કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. તેઓ ધાર્મિક કાર્યક્રમ પૂરો કરી સુરત પરત જતા અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં કારમાં ચાર લોકો સવાર હતા અને ટ્રકની ટક્કરથી કાર પડીકું વળી ગઈ હતી. સ્થાનિકોની તાત્કાલિક મળેલી મદદથી ઘાયલોને એસએસજી હોસ્પિટલ ખસેડાયા હતા. ઘટનાસ્થળે પોલીસ પણ તાત્કાલિક દોડી આવી રેસ્ક્યુ કામગીરી કરી હતી.
ઇજાગ્રસ્ત પરિવાર સુરતનો હતો અને દેના નજીક અકસ્માતમાં ઘાયલ થયો હતો. જેમાં તમામને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં સોનલબેન રાજેશભાઈ ઝવેરી (ઉં.વ. 58, રહે વેસ્ટન એરિલા એપાર્ટમેન્ટ, પાલ, સુરત), ચેતન નવીનચંદ્ર દેસાઈ (ઉં.વ. 52), મીતાબેન ચેતનભાઈ દેસાઈ (ઉં. વ. 54), હેતલભાઈ નવીનચંદ્ર દેસાઈ (ઉં.વ. 47, રહે મારૂદર રેસિડેન્સી ગેલેક્સી સર્કલ સુરત)ને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જેઓ હાલ સારવાર અર્થે છે અને તમામની સ્થિતિ સ્ટેબલ હોવાનું તબીબો જણાવી રહ્યા છે.