રાજકોટમાં છેલ્લા એકાદ મહિનાથી સીંગતેલના ભાવમાં ઘટાડો થઇ રહ્યો છે. જેમાં વીતેલા સપ્તાહમાં વધુ 100થી 125 રૂપિયાનો ઘટાડો થયો છે. જેને લઈ સીંગતેલના ભાવો ડબ્બે રૂ.2650-2700ના સ્તરે પહોંચ્યા છે. હાલ મગફળીની સારી આવક તેમજ નવી મિલો શરૂ થવાને કારણે ભાવ ઘટી રહ્યા છે. આ ભાવ ઘટાડો દિવાળી સુધી આગળ વધવાની શક્યતા છે. દિવાળી બાદ ભાવ સ્ટેબલ રહેવાની કે વધારો થવાની આશા વેપારીઓ સેવી રહ્યા છે.
સીંગતેલના વેપારી ભાવેશ પોપટના જણાવ્યા અનુસાર ચાલુ વર્ષે સીંગતેલના ભાવ એક તબક્કે રૂ.3200 થયા હતા. હાલ સારી બ્રાન્ડના સીંગતેલના ભાવ રૂ.2800 આસપાસ અને રનિંગ બ્રાન્ડના ભાવ રૂ.2650-2700 થયા છે. 15 લિટર ડબ્બાનો ભાવ ઓછો હોય છે, જે હાલમાં રૂ.2450થી લઈ 2600 સુધી વેચાઈ રહ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં ભાવમાં રૂ.100થી 125નો ભાવ ઘટાડો થયો છે. આગામી સમયમાં દિવાળી સુધી ભાવ ઘટે તેવી શક્યતા છે. ત્યારબાદ ભાવ ઘટવાની શક્યતા ખૂબ ઓછી છે.