દિવાળીના પર્વને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે બજારમાં ધીમે ધીમે ખરીદી શરૂ થઈ રહી છે. આ બધા વચ્ચે અવનવી લાઈટો તેમજ આકર્ષિત રંગબેરંગી સિરીઝના ડેકોરેશન વચ્ચે પણ દેશી કોડિયાના દીવાનું એટલું જ મહાત્મ્ય જોવા મળી રહ્યું છે. આજે પણ અનેક પ્રકારની મશીનરી ઉપલબ્ધ હોવા છતાં પણ કુંભાર સમાજના લોકો ચાકડા ઉપર માટી કામ કરી અલગ પ્રકારનાં દીવડાં અને કોડિયાં સહિતની સામગ્રી બનાવી રહ્યા છે. મૂળ ધ્રોલ પંથકના અને રાજકોટમાં કામ કરતા કારીગરના હાથમાં એવી કલા છે કે પોતે આંખે પાટો બાંધીને પણ અંધકારમાં પ્રકાશ ફેલાવવાનું કામ કરતા દીવડા બનાવી શકે છે અને તેઓ છેલ્લાં 5 વર્ષથી આ રીતે આંખે પાટા બાંધીને પણ અલગ અલગ આકારનાં દીવડાં બનાવી શકે છે. તેમ છતાં દીવડાનાં આકાર અને ડિઝાઈનમાં એક દોરાનો પણ ફરક રહેતો નથી.
આંખે પાટા બાંધી દીવડા બનાવતા કિશોરભાઈ વેલજીભાઈ લાઠિયાએ જણાવ્યું હતું કે તેઓ મૂળ જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના વતની છે. વર્ષોથી બાપ-દાદા વખતથી ચાલ્યો આવતો માટી કામનો ધંધો તેઓ પણ આગળ ધપાવી રહ્યા છે. નવરાત્રિ પૂર્ણ થતાં હવે દિવાળીના પર્વની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. દિવાળીના સમયમાં રાજકોટ, સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં દીવડા અને કોડિયાની ડિમાન્ડ વધુ હોવાના કારણે તેઓ રાજકોટ શહેરમાં કામ અર્થે આવતા હોય છે.