વડોદરા શહેરના માંજલપુરની શ્રેયસ સ્કૂલ પાસે ગત 15 જુલાઈ એમ્બ્યુલન્સની અડફેટે એક્ટિવા લઈને જઈ રહેલા 66 વર્ષીય વૃદ્ધ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, જેમનું આજે (20 જુલાઈ) સારવાર દરમિયાન ખાનગી હોસ્પિટલમાં મોત થયું છે. આ અકસ્માતના સીસીટીવી પણ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે પૂરપાર ઝડપે આવતી એમ્બ્યુલન્સ એક્ટિવાચાલકને જોરદાર ટક્કર મારતાં વૃદ્ધ પાંચ ફૂટ જેટલા ઊંચા ઊછળી દૂર જઈને પટકાય છે. આ અકસ્માત સમયે એમ્બ્યુલન્સચાલક વૃદ્ધને નજીકની ખાનગી હોસ્પિટલમાં પહોંચાડીને જતો રહ્યો હતો, જેથી વૃદ્ધના પુત્રએ માંજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલી શ્રેયસ સ્કૂલની પાછળ કસ્તુરીનગર સોસાયટીમાં રહેતા દીપ શાહના પિતા ભૂપેન્દ્રભાઈ (ઉં.વ.66) દૂધ કેન્દ્ર ચલાવે છે અને દૂધ વિતરણ પણ કરે છે. ગત સોમવારના (15 જુલાઈ) રોજ રાબેતા મુજબ સવારે 5 વાગ્યે દૂધ કેન્દ્ર પર ગયા હતા અને બાદમાં તેઓ દૂધ વિતરણ માટે ગયા હતા. સવારે 7 વાગ્યાના અરસામાં તેઓ શ્રેયસ સ્કૂલ પાસે પહોંચ્યા, ત્યારે એક એમ્બ્યુલન્સ વાન પૂરઝડપે આવી હતી અને વૃદ્ધને જોરદાર ટક્કર મારતાં પીઠના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.