સુરતના ખટોદરા સોસિયો સર્કલ પાસે સંતારાવાડી ખાતે એમ્બ્રોઇડરી કારખાનામાં ફરજ બજાવી રહેલો સિક્યોરિટી ગાર્ડ ફોન પર વાત કરતી વેળા અચાનક ઢળી પડ્યો હતો. સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ આવતાં મોતને ભેટ્યો હતો. હાર્ટ-એટેકને પગલે મોત થયું હોવાનું પોલીસે જણાવ્યું હતું.
કારખાનામાં સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો
મળતી માહિતી મુજબ, મૂળ બિહારના રોહતાસ જિલ્લાના વતની અને હાલ પાંડેસરા વિસ્તારમાં ગણેશનગર ખાતે 35 વર્ષીય પવન ગંગા વિષ્ણુ ઠાકુર પરિવાર સાથે રહેતો હતો. ખટોદરા વિસ્તારમાં સોસિયો સર્કલ પાસે સંતારાવાડીમાં એમ્બ્રોઈડરી કારખાનામાં સિક્યોરિટી ગાર્ડ તરીકે કામ કરી પત્ની અને એક પુત્ર, એક પુત્રી સહિતના પરિવારનું ગુજરાન ચલાવતો હતો.
ગત રોજ પવન રાબેતા મુજબ નોકરી પર આવ્યો હતો. પવન ફોન પર વાત કરી રહ્યો હતો. દરમિયાન એમ્બ્રોડરી કારખાનાના ગેટ પર ખુરસીમાં બેઠાં બેઠા જ તે અચાનક ઢળી પડ્યો હતો. ત્યારે તેની સાથે કામ કરતા લોકો દોડી આવ્યા હતા. તેને બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા.