રાજકોટ મહાનગરપાલિકામાં આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળનારી છે. જેમાં 63 જેટલી દરખાસ્ત કરવામાં આવી છે. જેમાં મુખ્યત્વે સ્માર્ટ સિટીથી કટારિયા ચોક સુધીનો માર્ગ ફોર ટ્રેક કરવાની મુખ્ય દરખાસ્ત છે. 4.32 ટકા ડાઉનભાવથી રૂ.44.79 કરોડમાં જીએસટી સાથે આ કામ ક્લાસિક નેટવર્ક પ્રા.લિ.ને આપવાની મ્યુનિસિપલ કમિશનર દ્વારા દરખાસ્ત કરવામાં આવી છે.
આ માર્ગ ફોર ટ્રેક બનવાથી અંદાજે 5 લાખ વાહનચાલકને તેનો લાભ મળશે. આ ઉપરાંત શહેરના વોર્ડ નં.11માં પરસાણા ચોકથી કણકોટ ગામ સુધી 24.00 મીટરનો ટી.પી.રોડ ડેવલપ કરવાના કામ અંગે રૂ.6.50 કરોડમાં કોન્ટ્રાક્ટ આપવા કમિશનરે દરખાસ્ત કરી છે. અંદાજે 1.5 કિ.મી.નો આ માર્ગ ડેવલપ થતાં દરરોજ હજારો વિદ્યાર્થીઓ સહિતના રાહદારીઓને તેનો લાભ મળશે.
આ ઉપરાંત વોર્ડ નં.15માં અમૂલ સર્કલથી નેશનલ હાઇવે તેમજ રામવન રોડ પર ગરુડ ગેટ(ગેટ નં.2)થી આરએમસીની હદ સુધીના રોડને ડેવલપ કરવાના કામે જીએસટી સહિતનું રૂ.14,76,78,000નું એસ્ટિમેટ મંજૂર કરવામાં આવ્યું હતું. જેના ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા.
આ વિસ્તારમાં આશરે 60500 ચો.મી. રોડ ડેવલપ કરવાનો હોય ત્રણ એજન્સીઓએ ટેન્ડર ભર્યા હતા. જેમાં સૌથી ઓછા શ્રીજી દેવકોન પ્રા.લિ.એ ભાવ ભરતા તેમના ખર્ચને મંજૂર કરવા દરખાસ્ત કરાઇ છે.
આ ત્રણેય કામોની દરખાસ્તને સ્ટેન્ડિંગ બહાલી આપી દેશે તો જુલાઇ માસના અંત સુધીમાં અથવા ઓગસ્ટ માસના પ્રારંભે તમામ એજન્સીઓ પોતાના કામ શરૂ કરી દેશે અને તેની સમયમર્યાદા દોઢ વર્ષની એટલે કે 18 માસની હોય ત્યાં સુધીમાં કામ પૂર્ણ કરી લેવાશે. આ ઉપરાંત વોર્ડ નં.1, 8, 9, 10, 11માં રસ્તા ડામર કાર્પેટ અને રિ-કાર્પેટ કરવાના કામે પેરેલલ કોન્ટ્રાક્ટ આપવા દરખાસ્ત અંગે પણ સ્ટેન્ડિંગમાં આજે નિર્ણય લેવાશે.