રાજકોટ શહેર જિલ્લા ભાજપના મહામંત્રી માટે 3-3ની પેનલ બનાવાશે

રાજકોટ શહેર જિલ્લા ભાજપના સંગઠનનું માળખું રચવા માટેની અંતિમ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 3 મહામંત્રી માટે 3-3ની પેનલ બનાવાશે જેમાં પૂર્વ મહામંત્રી ઉપરાંત અન્ય બે નામનો સમાવેશ કરવામાં આવશે. મહામંત્રી પદે કેવા આગેવાનની પસંદગી કરવી તેની માર્ગદર્શિકા સોમવારે પ્રદેશમાંથી આવશે અને તેના પરથી પેનલને આખરી સ્વરૂપ આપવામાં આવશે.

રાજકોટ શહેર ભાજપ પ્રમુખ તરીકે ડો.માધવ દવે અને જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે અલ્પેશ ઢોલરિયાની નિયુક્તિને પોણા ચાર મહિના વીતી ગયા છે, પરંતુ શહેર જિલ્લાનું નવું સંગઠન હજુ સુધી રચાયું નથી. શહેર અને જિલ્લાના બંને પ્રમુખ પોતાની અગાઉની ટીમ સાથે સંગઠનનું કામ કરી રહ્યા છે. જૂના જોગીઓને જ્યાં સુધી નવું માળખું રચાય નહીં ત્યાં સુધી પોતાનો દબદબો યથાવત્ રહે તેવા લડ્ડુ ફૂટી રહ્યા છે, તો નવી ટીમમાં સ્થાન મેળવવા અધીરા બનેલા આગેવાનો ઝડપથી નવું માળખું રચાય અને તેમાં પોતાનો સમાવેશ થાય તેવી આશ માંડીને બેઠા છે.

ભાજપ વર્તુળમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ગણતરીના દિવસોમાં રાજકોટ શહેર અને જિલ્લાના નવા સંગઠનની જાહેરાત કરી દેવામાં આવશે, પ્રમુખની નિયુક્તિ થઇ ગઇ છે અન્ય 20 હોદ્દેદાર જેમાં 3 મહામંત્રી, 8 ઉપપ્રમુખ, 8 મંત્રી અને 1 કોષાધ્યક્ષની વરણી કરવા માટે અનેક નામો ચર્ચામાં છે. શહેર જિલ્લાના મહામંત્રીના નામો પ્રદેશમાંથી નક્કી થશે અન્ય હોદ્દાઓ પ્રમુખ સહિતની સ્થાનિક ટીમ નક્કી કરશે. 3 મહામંત્રી માટે 3-3ની પેનલ બનાવવામાં આવશે જેમાં વર્તમાન મહામંત્રીના નામોનો સમાવેશ કરવામાં આવશે અન્ય બે નવા નામ પેનલમાં મુકાશે. ભાજપના વિશ્વસનીય સૂત્રોએ કહ્યું હતું કે, મહામંત્રીની પસંદગી માટે કેટલાક ધારાધોરણ પાર્ટીએ નક્કી કર્યા છે, કોર્પોરેટર કે બે વખત મહામંત્રી રહી ચૂક્યા હોય તેનો સમાવેશ કરવામાં આવશે નહીં. આ સહિતના કેટલાક ધારાધોરણ સહિતની માર્ગદર્શિકા સોમવારે પ્રદેશમાંથી શહેર અને જિલ્લા ભાજપના પ્રમુખને મળશે અને તે માર્ગદર્શિકા મુજબ મહામંત્રીના નામોની પેનલ તૈયાર કરાશે. સંગઠનનું સખળડખળ ફરીથી શરૂ થતાં કેટલાક નેતાઓએ પોતાની ખુરશી બચાવી રાખવા તો કેટલાક આગેવાનોએ પોતાનું ભાગ્ય અજમાવવા કમરકસી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *