રાજકોટમાં હુડકો ચોકડી શેરી નં.05 ના છેડે સંસ્કાર ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં આવેલ એક કારખાનામાં રહેતી સુનિતા સંજયભાઈ બાબર (ઉ.વ.19) એ કારખાનાની ઓરડીમાં જ પંખાના હુકમાં સાડી બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બાદમાં નીચે કામ કરતો તેનો પતિ ઓરડીમાં જતાં પત્નીને લટકતી હાલતમાં જોઈ આક્રંદ મચાવ્યો હતો. બનાવ અંગે 108ને જાણ કરતાં 108ની ટીમે મહિલાને તપાસી મૃત જાહેર કરી હતી. બનાવની જાણ થતાં થોરાળા પોલીસ સ્ટાફ આવી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી હતી. મૃતક મુળ મધ્યપ્રદેશની વતની હતી. તેમના લગ્ન ત્રણ વર્ષ પહેલાં સંજય સાથે થયાં બાદ બંને રાજકોટ મજૂરી કામ અર્થે આવેલ હતાં. મૃતકને હાલ 6 માસનો ગર્ભ હતો. ગઈકાલે તે બપોરના ત્રણ વાગ્યે તેના પતિને ચા પીવડાવી રૂમમાં ગયાં બાદ અંતિમ પગલું ભરી લીધું હતું. બનાવ અંગે મૃતકનો પતિ પણ અજાણ હોવાનું સામે આવ્યું છે.