રાજકોટ અને વડોદરામાંથી આપઘાતના બે બનાવ સામે આવ્યા છે. જેમાં રાજકોટમાં ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ નાપાસ થવાના ડરે ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધો છે. વિદ્યાર્થિનીએ આપઘાત પહેલાં સાતેક લીટીમાં સુસાઈડ નોટ પણ લખી હતી. જેમાં તેણે લખ્યું છે કે, ‘મમ્મી મને માફ કરી દેજો, હું તમારા ડોક્ટર બનવાના સપના પુરા નહિ કરી શકું’. તો વડોદરામાં 37 વર્ષીય મહિલાએ સાતમાં માળેથી કૂદીને મોતને વહાલું કરી લીધુ હતું. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. મહિલા સાતમાં માળ પર થોડી ક્ષણ બેસી રહી હતી અને બાદમાં તેણે મોતની છલાંગ લગાવી હતી. આસપાસના લોકોએ મહિલાને જોઈ હતી પણ કોઈ બચાવવા જાય તે પહેલાં તેણે છલાંગ લગાવી લીધી હતી.
રાજકોટના 150 ફુટ રીંગ રોડ અયોધ્યા ચોકમાં ઓસ્કાર રેસિડેન્સીમાં રહેતી અને મોદી સ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરતી માહી આલોકભાઇ મલકાણ (ઉં.વ.17)એ ગત રાત્રે પંખામાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ લેતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. અહીં ટૂંકી સારવાર બાદ વિદ્યાર્થિનીનું મૃત્યુ નિપજતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે કરતાં યુનિવર્સિટી પોલીસ હોસ્પિટલ પહોંચી ગઈ હતી અને કાર્યવાહી કરી હતી.