અમેરિકામાં લાઇવ મ્યૂઝિક શો ખૂબ જ લોકપ્રિય છે. અહીંના શહેરોમાં વર્ષ દરમિયાન મ્યૂઝિક ફેસ્ટિવલ્સ ચાલતા રહે છે. તે અહીંની સંસ્કૃતિનો મહત્વપૂર્ણ હિસ્સો છે. જો કે સતત વધતા ખર્ચને કારણે અનેક મ્યૂઝિક ફેસ્ટિવલના અસ્તિત્વ પર સંકટ નજરે પડી રહ્યું છે. ચાર દાયકાઓથી સંગીતના ચાહકોમાં લોકપ્રિય એવો રિવર બેન્ડ ફેસ્ટિવલ આ વર્ષે નહીં યોજાય. આયોજકોએ પોતાની વેબસાઇટ પર કહ્યું છે કે “રિવરબેન્ડ ભવિષ્યમાં સફળ થવા માટે રિવેલ્યૂએશન અને રિસ્ટ્રક્ચરિંગ કરી રહ્યું છે. છેલ્લા એક દાયકાથી સંચાલિત થઇ રહેલો ડેલાવેરનો ફાયરફ્લાઇ મ્યૂઝિક ફેસ્ટિવલ પણ વધુ એક વર્ષ માટે યોજાશે નહીં.
સોશિયલ મીડિયા પર તેના આયોજકોએ લખ્યું કે તેઓ સમય યોગ્ય હશે ત્યારે પરત ફરશે. કોલંબસ, ઓહાયોમાં શેફ ગાઇ ફિએરીનો ફ્લેવર ટાઉન મ્યૂઝિક ફેસ્ટિવલ શરૂ થતા પહેલા જ રદ્દ કરવામાં આવ્યો હતો. ફ્લોરિડામાં ઓકીચોબી સંગીત અને કળા મહોત્સવ પણ રદ્દ થઇ ગયો છે. મેમ્ફિસમાં બીલે સ્ટ્રીટ મ્યૂઝિક ફેસ્ટિવલની પણ આ જ દશા છે. બ્લૂમબર્ગ રિસર્ચ અનુસાર, આ વર્ષે અમેરિકામાં ઓછામાં ઓછા 10 શો રદ્દ કરવામાં આવ્યા છે. બજેટને લઇને જાગૃત ગ્રાહકો તેનું એક કારણ હોય શકે છે, પરંતુ મુખ્ય કારણ આવી કોન્સર્ટનો વધતો ખર્ચ છે. આ પ્રકારના આયોજનમાં મોટા પાયે સ્ટેજ, લાઇટિંગ, સાઉન્ડ વગેરેની વ્યવસ્થા કરવાની હોય છે. તદુપરાંત કલાકારોનું મહેનતાણું પણ વધી રહ્યું છે.
એક મ્યૂઝિક ફેસ્ટિવલના આયોજક બ્રૂ હા હા પ્રોડક્શન્સના સ્થાપક કેમરુન કોલિન્સ કહે છે કે કલાકારો સહિત તમામ વસ્તુઓ ખૂબ મોંઘી થઇ ચૂકી છે. વાસ્તવમાં કોવિડ લોકડાઉન બાદ એકદમ આ પ્રકારના આયોજનમાં ઉછાળો જોવા મળ્યો છે. વધતી માંગને જોતા કલાકારોએ ગુમાવેલી આવકની ભરપાઇ કરવા માટે ફીસ વધારી દીધી. આયોજકોએ લૉકડાઉન દરમિયાન થયેલી ખોટને રિકવર કરવા માટે ટિકિટનો ભાવ વધાર્યો હતો. હવે એક કોન્સર્ટની ફીસ 200 થી લઇને 350 ડૉલર (1500 થી 3000 રૂપિયા) અથવા તેનાથી પણ વધુ છે. એક મ્યૂઝિક કોન્સર્ટમાં જવાનો ખર્ચ અને મુસાફરીના ખર્ચ સહિત 1,000 ડૉલર (83 હજાર રૂપિયા) પ્રતિ વ્યક્તિથી વધુ થઇ શકે છે. તેમાં ભોજન અને અન્ય ખર્ચ સામેલ નથી. દરમિયાન લોકોને રાહત આપવાના પણ પ્રયાસો થઇ રહ્યા છે.