રાજકોટમાં છેલ્લા બે મહિનાથી ગાલપચોળિયાના કેસોમાં મોટો વધારો નોંધાયો છે. દરરોજનાં 300 જેટલા કેસ સામે આવતા ચિંતા વધી છે. સામાન્ય રીતે જ્યારે સીઝન બદલાય ત્યારે વાઇરલ ઇન્ફેક્શનને કારણે આવા કેસો બનતા હોય છે, પરંતુ તેની સંખ્યા પ્રમાણમાં ઓછી કે મર્યાદિત હોય છે. જોકે એકસાથે આટલી મોટી સંખ્યામાં ગાલપચોળિયાના કેસો આવ્યા હોવાનું કદાચ છેલ્લા પાંચ વર્ષોમાં પ્રથમ વખત બન્યાનું રાજકોટના અગ્રણી ડોક્ટરે જણાવ્યું છે. જોકે ગાલપચોળિયાના કેસો અટકાવવા વેક્સિનેશન એકમાત્ર ઉપાય હોવાથી વાલીઓને આ માટે જાગૃત રહેવા અપીલ પણ તબીબો કરી રહ્યા છે.
રાજકોટનાં જાણીતા પીડિયાટ્રીશિયન ડો. મેહુલ મિત્રાએ દિવ્ય ભાસ્કર સાથે કરેલી ખાસ વાતચીતમાં આ અંગે જણાવ્યું હતું કે, આમ તો છેલ્લા પાંચેક મહિનાથી ગાલપચોળિયાના કેસો વધી રહ્યા છે, પરંતુ બે મહિનાથી તો રાજકોટનાં દરેક બાળકોના ડોક્ટર પાસે રોજના ત્રણ કેસ સામે આવી રહ્યા છે. રાજકોટમાં 150 કરતા વધારે પીડિયાટ્રીશિયન છે. આ પૈકી 100 ડૉક્ટર્સ પાસે પણ 3 કેસ ગણીએ તો રોજના 300 કેસ એટલે કે મહિનાનાં ઓછામાં ઓછા 7 હજાર કરતા પણ વધુ કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે લોકોએ ગભરાવાની નહીં પણ સાવચેતી રાખવાની જરૂર છે.