વડોદરા લોકસભા બેઠક પર ભાજપે રંજન ભટ્ટને ટિકિટ આપી છે. ત્યારે વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટી પક્ષના નિયુક્ત થયેલા ઉમેદવારના સંદર્ભમાં જ્યોતિબેન પાંચ વાગ્યે પ્રેસ-કોન્ફરન્સ કરવાનાં હતાં. જોકે પાર્ટીએ એ પહેલાં જ 4.30 વાગ્યે તાત્કાલિક ધોરણે તેમની હકાલપટ્ટી કરી. એટલે હવે ભાજપનાં મહિલા મોરચાનાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ભાજપનાં મધ્ય ઝોન પ્રવક્તા ડો. જ્યોતિબેન પંડ્યાને ભાજપ પક્ષના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્યપદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યોતિબેન પંડ્યા અગાઉ વડોદરા શહેરનાં મેયર રહી ચૂક્યાં છે.
આ મામલે શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહ એ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, ભાજપે જ્યોતિબેન પંડ્યાને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા છે. પાર્ટીના કાર્યકર તરીકે દરેકને પક્ષમાં જવાબદારી મેળવવાનો અધિકાર છે. પાર્ટીના હાઈકમાન્ડને માન આપવાની દરેક કાર્યકરોની જવાબદારી છે. 19 કાર્યકરોએ દાવેદારી કરી હતી. લોકોએ સોશિયલ મીડિયાના માધ્યમથી અમારી સમક્ષ નારાજગી વ્યક્ત કરી છે, જે પક્ષના હાઈકમાન્ડ સુધી અમે પહોંચાડીશું. વડોદરા એ સલામત બેઠક છે, એટલે દરેકને લડવાની ઈચ્છા હોય.