“અહિંસા વિશ્વ ભારતી” અને “વિશ્વ શાંતિ કેન્દ્ર”નાં સ્થાપક જૈન આચાર્ય લોકેશજીની હાજરીમાં 8 એપ્રિલ, 2024ના રોજ અમેરિકાની કેલિફોર્નિયા એસેમ્બલીમાં ભગવાન મહાવીર જયંતિ (જન્મ કલ્યાણ) ઉજવણીનું આયોજન કરવામાં આવશે. જેમાં કેલિફોર્નિયા સેનેટ અને એસેમ્બલીના ઘણા સભ્યો ભાગ લેશે. આ પ્રસંગે અમેરિકાનાં 70 જૈન કેન્દ્રોનાં અગ્રણી પ્રતિનિધિઓ ભાગ લેવા આવી રહ્યા છે. 15 એપ્રિલનાં રોજ સનાતન ભૂષણ રાજરાજેશ્વર ગુરુજીની હાજરીમાં બ્રિટિશ સંસદમાં ભગવાન મહાવીર જન્મ કલ્યાણક અને આચાર્ય લોકેશજીનાં 64મા જન્મદિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવશે.
આ સમારોહમાં બ્રિટિશ સંસદના સભ્યો, લંડનના મેયર, જાણીતા ઉદ્યોગપતિઓ, શિક્ષણવિદો, સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક સંસ્થાઓનાં અગ્રણી પ્રતિનિધિઓ ભાગ લેશે. ભારતમાંથી, આચાર્ય લોકેશજી 25 માર્ચ 2024ના રોજ સિંગાપોરમાં સમારંભમાં ભાગ લેવા માટે રવાના થશે. જ્યાં તેઓ 28 માર્ચ 2024ના રોજ લોકમત મીડિયા ગ્રુપ દ્વારા આયોજિત ગ્લોબલ ઈકોનોમિક કોન્ક્લેવને મુખ્ય અતિથિ તરીકે સંબોધિત કરશે. મહારાષ્ટ્ર સરકારનાં મંત્રીઓ સુધીર મુનગંટીવાર અને મંગલ પ્રભાત લોઢા, ઈન્ડિયાટીવી ગ્રુપના ચેરમેન રજત શર્મા, જાણીતા સામાજિક કાર્યકર અને ઉદ્યોગપતિ ગૌતમ સિંઘાનિયા, સુશ્રી અમૃતા ફડણવીસ, સુશ્રી દીપાલી ગોએન્કા, પ્રદીપ રાઠોડ, વિશાલ ચોરડીયા અને જાણીતા અભિનેતા અને કવિ શૈલેષ લોઢા આ સમારોહમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે.