રાજકોટમાં વેપારી પાસેથી 19.18 લાખની 27 કિલો ચાંદી મેળવી કારીગર ફરાર

શહેરના ઉપલાકાંઠા વિસ્તારમાં પેઢી ધરાવતા ચાંદીના વેપારી પાસેથી ઘરેણાં બનાવવા ચાંદી લઇ ગયા બાદ દાગીના નહીં બનાવી આપી કારીગરે રૂ.19.18 લાખની 27 કિલો ચાંદીની છેતરપિંડી આચરી હતી. પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી હતી.

કુવાડવા રોડ પરના અલ્કાપાર્કમાં રહેતા અને ઘર નજીક અક્ષર ટ્રેડર્સ નામે ચાંદીના ઘરેણાં બનાવી વેચવાનો વેપાર કરતાં મુરલીધરભાઇ હરકિશનભાઇ સોની (ઉ.વ.50)એ બી.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે કોઠારિયા રોડ પરની શાનદાર રેસિડેન્સીમાં રહેતા ભાવેશ લાધા ગઢિયાનું નામ આપ્યું હતું. મુરલીધરભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે ઓરિજિનલ ચાંદી ખરીદી અલગ અલગ કારીગરોને ચાંદી આપી ઘરેણાં બનાવવાનું કામ કરે છે. સાત મહિનાથી ભાવેશ ગઢિયા પણ ઘરેણાં બનાવવા માટે ચાંદી લઇ જતો હતો અને ચાંદી લઇ ગયાના ચારેક દિવસમાં ઘરેણાં બનાવી પરત આપી જતો હતો તેણે અનેક વખત વ્યવહાર કરી વિશ્વાસ જીતી લીધો હતો.

ગત માર્ચ મહિનામાં ભાવેશ ગઢિયા 49.017 કિલો ચાંદી લઇ ગયો હતો અને તેમાંથી 21.992 કિલો ચાંદીના દાગીના બનાવી પરત આપી ગયો હતો. બાકીની રૂ.19.18 લાખની કિંમતના 27.025 કિલો ચાંદીના દાગીના બનાવીને ભાવેશે પરત નહીં કરતા ગત તા. 14 એપ્રિલના મુરલીધરભાઇના પુત્ર વિશાલભાઇએ ફોન કરતાં સાંજે દાગીના આપી જઇશ તેમ કહ્યું હતું અને બાદમાં સાંજે પોતાનો મોબાઇલ બંધ કરી દીધો હતો. વિશાલભાઇ સાંજે તેના ઘરે પહોંચતા તેના પત્નીએ પતિ ભાવેશ ક્યાં ગયા છે તેનો ખ્યાલ નથી તેમ કહેતા પોતાની સાથે છેતરપિંડી થયાનો અહેસાસ થયો હતો. ખાનગી રીતે ભાવેશની શોધખોળ બાદ તેનો પત્તો નહીં લાગતા અંતે ફરિયાદ નોંધાવી હતી, પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *