અમદાવાદ જાણે યુપી-બિહાર બની ગયું હોય એવું લાગી રહ્યું છે, કારણે કે ગમે ત્યારે ફાયરિંગ, લૂંટ, ચોરી, હુમલાની ઘટનાઓ બનતી હોય છે. જમાલપુરમાં ગળા પર છરી મૂકીને ડ્રાઇવર પાસેથી 43 હજારની લૂંટ ચલાવવાની ઘટનાની શાહી હજુ સુકાઈ નથી, ત્યારે ગત મોડીરાતે મણિનગરમાં આવેલી એક જ્વેલર્સની શોપને હથિયારધારી શખસોએ ટાર્ગેટ કરીને 11.63 લાખના દાગીનાની લૂંટ કરી નાસી જતાં ચકચાર મચી ગઈ છે. ચાર શખસો દુકાનમાં આવ્યા અને શોપના માલિકના લમણે રિવોલ્વર ટાંકી ગણતરીની મિનિટોમાં ડિસ્પ્લેમાં લગાવેલા દાગીના લૂંટીને ફરાર થઈ ગયા હતા.
રિવોલ્વર ટાંકી ત્યારે એક લૂંટારા હિન્દીમાં બોલ્યો હતો કે આજ તેરી ગોલી માર કે હત્યા કરતા હૂં. લૂંટારાની વાત સાંભળીને શોપના માલિકે સરેન્ડર કર્યું અને કહ્યું હતું કે મારી હત્યા ના કરો, તમારે જે લઈ જવું હોય એ લઈ જાઓ. શોપના માલિકની વાત સાંભળીને લૂંટારાઓએ દુકાનમાં શાંતિથી સોનાના દાગીનાની લૂંટ કરીને નાસી ગયા હતા. બાદમાં શોપના માલિકે બૂમાબૂમ કરી દીધી હતી.
ઇસનપુર વિસ્તારમાં આવેલા શાસ્ત્રીનગરમાં રહેતા 28 વર્ષીય અમૃત માળીએ મણિનગર પોલીસ સ્ટેશનમાં ચાર અજાણ્યા શખસ વિરુદ્ધ લૂંટની ફરિયાદ કરી છે. અમૃત માળી તેમના પરિવાર સાથે રહે છે અને મણિનગર ભૈરુનાથ સર્કલ નજીક જય ભવાની જ્વેલર્સની શોપ ધરાવીને ગુજરાન ચલાવે છે. ગઇકાલે અમૃત માળી તેમની શોપમાં હાજર હતા. ત્યારે ચાર શખસો આવ્યા હતા. અમૃત માળીએ ગ્રાહક સમજીને આવકાર આપ્યો હતો, પરંતુ તેઓ લૂંટારા નીકળ્યા હતા. અમૃત માળી કઇ સમજે એ પહેલાં ચાર શખસો પૈકી એક શખસે તેમના લમણે રિવોલ્વર મૂકી દીધી હતી. રિવોલ્વર મૂકતાંની સાથે જ અમૃત માળી ગભરાઈ ગયા હતા. લૂંટારા શખસે અમૃત માળીને ધમકી આપી હતી કે આજ તેરી ગોલી માર કે હત્યા કરતા હૂં, પહેલે પેરમેં ગોલી મારુંગા ઉસકે બાદ દિમાગમેં.