ગુજરાત રાજ્યમાં બાગાયતનો વ્યાપ વધારવા તેમજ તાલીમ થકી યુવાનોના કૌશલ્યમાં વૃદ્ધિ કરવાના હેતુથી વર્ષ 2023-24માં રાજ્ય સરકાર દ્વારા “અર્બન ગ્રીન મિશન કાર્યક્રમ” અંતર્ગત “સ્વરોજગાર માળી તાલીમ યોજના” અમલી બનાવવામાં આવી છે. જેના ભાગરૂપે રાજકોટ નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા પ્રાદેશિક લોકવિજ્ઞાન કેન્દ્રના સહયોગથી અર્બન ગ્રીન મિશન કાર્યક્રમ અંતર્ગત સ્વરોજગારલક્ષી માળી તાલીમ યોજના હેઠળ ત્રિ-દિવસીય માળી તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરમાં પ્રથમવાર આયોજિત આ તાલીમનો મેયર નયના પેઢડીયાની અધ્યક્ષતામાં શુભારંભ કરવામાં આવ્યો હતો.
હવે ઘર સુશોભન અને બગીચામાં માળીકામ સરળ બનશે
આ તકે મેયર નયના પેઢડીયાએ જણાવ્યું કે, ગુજરાત સરકાર દ્વારા નિયમિત રીતે ખેડૂતો અને મહિલાઓ સહિત સામાન્ય લોકો માટે ખેતી અને બાગાયતની તાલીમના સત્ર યોજવામાં આવે છે. માળીની પદ્ધતિસર તાલીમ ઘરને વિવિધ છોડોથી સુશોભિત કરવા, ઘરમેળે ખાતર બનાવવા, કિચન કે ટેરેસ ગાર્ડનને સુવ્યવસ્થિત રાખવા તેમજ માળી તરીકે વ્યવસાયિક રીતે કારકિર્દી બનાવવા માટે ઉપયોગી બનશે. ઘરને કૃત્રિમ ફૂલો કે બુકેના બદલે પ્રાકૃતિક રંગબેરંગી ફૂલોથી સજાવવા જોઈએ. તાલીમમાં નાની-નાની સમસ્યાઓનો ઉપાય મળવાથી હવે ઘર સુશોભન અને બગીચામાં માળીકામ કરવા માટે સરળતા રહેશે.
આ ત્રિ-દિવસીય તાલીમમાં નિષ્ણાતો દ્વારા બગીચાનું મહત્વ, આયોજન અને તેના વિવિધ પ્રકાર, જમીનના પ્રકાર, જમીન પૃથ્થકરણ માટે નમૂના લેવાની રીત, બગીચામાં પિયત પદ્ધતિઓ અને સંકલિત ખાતર પોષણ વ્યવસ્થાપન, સંવર્ધન પદ્ધતિઓ, નર્સરી, શાકભાજી પાકોમાં ધરું ઉછેર, રક્ષિત ખેતી, શહેરી ખેતીના પ્રકારો, કિચન ગાર્ડન, હાઇડ્રોપોનિક્સ અને માઇક્રોગ્રીન્સ, બગીચામાં જરૂરી રાસાયણિક ખાતર, વિવિધ સાધનોની ઓળખ, કૂંડા ભરવાની પદ્ધતિ, ઘાસનું મહત્વ અને કાળજી, જીવાતની ઓળખ અને તેનું નિયંત્રણ, બોનસાઇ, ફૂલમાળા તેમજ બુકે બનાવવાની રીત જેવા મુદાઓનું થીયરી અને પ્રેક્ટીકલ માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.