રાજકોટ મનપા દ્વારા રોડ-રસ્તા માટે કરોડોની ગ્રાન્ટ વાપરવામાં આવતી હોય છે તેમછતાં શહેરના અનેક વિસ્તારના રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળે છે. શહેરનાં ડે. મેયર નરેન્દ્રસિંહ જાડેજાનાં વિસ્તારમાં પણ લાંબા સમયથી રોડ-રસ્તાની હાલત દયનીય હોવાનું સામે આવ્યું છે. ખરાબ રસ્તાને કારણે અહીં હેવી વાહનો ખૂંચી જવાના તેમજ અકસ્માતના બનાવો વધતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવા માગ ઉઠી છે. જોકે, ડે. મેયરે આ વિસ્તારનાં લોકોની સમસ્યા ઉકેલવા કામગીરી ચાલુ હોવાનું જણાવ્યું છે ત્યારે આ વિસ્તારની સમસ્યા ક્યારે દૂર થશે? તે જોવું રહ્યું.
યાગરાજ નગર આસપાસના વિસ્તારોની સમસ્યા અંગે જાણકારી મળી હતી. જેમાં શહેરનાં પોષ વિસ્તાર 150 ફૂટ રિંગ રોડથી માત્ર 1 કિલોમીટર દૂર આવેલા આ વિસ્તારમાં રસ્તાની હાલત અત્યંત ખરાબ હોવાનું જોવા મળ્યું હતું. ગામડા જેવો કાચો રસ્તો અને તેમાં પણ ઠેર-ઠેર ખાડા પડી જતા રસ્તા પરથી ટુ-વ્હીલર લઈને જવું પણ મુશ્કેલ પડતું હતું. સ્થાનિકો સાથે વાત કરતા આ વિસ્તાર ડે. મેયરનો હોવાનું અને આ મામલે અનેક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી થતી નહીં હોવાનું પણ જણાવ્યું હતું. આ સાથે જ ખરાબ રસ્તાને કારણે પાણી ભરાઈ જવા અને અકસ્માતો થવાની ઘટનાઓ રોજિંદી બની હોવાનો આરોપ લગાવ્યો હતો.