રાજકોટ શહેરમાં કાલાવાડ રોડ પર હરીપરના પાટીયા પાસે બેકાબુ કારે બાઈકને ઠોકરે લેતા યુવાનનું મોત નિપજ્યુ છે. જ્યારે તેના મિત્રને ઈજા થતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. બનાવ અંગે જાણ થતા રાજકોટ તાલુકા પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી તેની ધરપકડ કરવા કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટના કાલાવડ રોડ પર આવેલ મેટોડા GIDCમાં અંજલી પાર્કમાં વ્રજવાટીકા એપાર્ટમેન્ટમાં રહેતો 24 વર્ષીય જય સુભાષભાઈ માણાવદીયા અને તેના પાડોશમાં રહેતો 18 વર્ષીય મિત્ર મલય અમીતભાઈ વધારીયા ગઇકાલે મોડી રાત્રીના બાઈક લઈને રાજકોટ શહેર તરફ આવતા હતા, ત્યારે હરીપર ગામના પાટીયા પાસે બેકાબુ કારે બાઇકને ઠોકરે લેતા બન્ને યુવાનોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.
બાઇક ચાલક યુવક જય માણાવદીયાને ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર દરમિયાન દમ તોડી દેતા તેનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે જાણ થતાં તાલુકા પોલીસ સ્ટેશનના જમાદાર કિરીટભાઈ સહિતના સ્ટાફે હોસ્પિટલ પહોંચી મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસ દરમિયાન મૃતક યુવાન કારખાનામાં મજૂરી કામ કરતો હોવાનું અને ધવાયેલો તેનો મિત્ર રાજકોટ ITIમાં અભ્યાસ કરતો હોવાનું સામે આવ્યું છે. બન્ને મિત્રો નાસ્તો કરવા માટે મિત્રનું બાઈક લઈને રાજકોટ આવતા હતા. દરમિયાન અકસ્માત સર્જાયો હતો. હાલ રાજકોટ તાલુકા પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી તેની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.