રાજકોટમાં આકરા તાપથી 23 દિવસમાં 251 લોકો બેશુદ્ધ

રાજકોટ શહેરમાં આકરા તાપને કારણે પારો 40 ડિગ્રીની ઉપર રહે છે. આ કારણે મે માસમાં હીટ સ્ટ્રોકને લગતા બનાવોમાં વધારો થયો છે. માત્ર 23 જ દિવસમાં 737 કોલ હીટ સ્ટ્રોકની અસરના મળ્યા હોવાનું અને 251 લોકો બેશુદ્ધ બન્યાનું 108ના પ્રોગ્રામ ઓફિસરે જણાવ્યું હતું.

હીટ સ્ટ્રોકને કારણે પેટમાં દુખાવો, ઝાડા-ઊલટી, સખત માથું દુ:ખવું, બેશુદ્ધ બનવા સહિતની અસર ઉપરાંત અચાનક શરીરનું તાપમાન વધી જવાની પણ ઘટના બને છે. રાજકોટ જિલ્લામાં જે કોલ આવ્યા છે તેમાં સૌથી વધુ 251 કોલમાં ગરમીને કારણે બેશુદ્ધ બન્યા હોવાનું નોંધાયું છે. ત્યારબાદ 233 કોલ પેટ અને આસપાસના અંગોમાં દુખાવાની અસરના આવ્યા હતા.

માત્ર રાજકોટ જ નહિ સમગ્ર રાજ્ય હાલ આકરી ગરમીની અસરમાં છે અને તેથી જ 16376 હીટ સ્ટ્રોકના બનાવો 1 મેથી 21 મે સુધીમાં નોંધાયા છે. જેમાં 15 મેએ એક જ દિવસમાં સૌથી વધુ 828 ઈમર્જન્સી કોલ આવ્યા હતા. આ સિવાય છેલ્લા એક સપ્તાહથી 750ની આસપાસ કોલ આવી રહ્યા છે. હવામાન વિભાગ મુજબ આગામી દિવસોમાં ગરમી ઓછી રહેવાના અણસાર છે તેથી ત્યારે ઈમર્જન્સીમાં ઘટાડો થશે. જોકે ફરીથી તાપમાન 42 ડિગ્રીથી વધશે એટલે હિટ સ્ટ્રોકની સંખ્યામાં વધારો દેખાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *