વડોદરામાં 75 વર્ષના વૃદ્ધનું અવસાન થતાં પરિવારે બેન્ડવાજા અને આતશબાજી સાથે અંતિમયાત્રા કાઢી

વડોદરાના ફતેપુરા કુંભારવાડામાં 75 વર્ષીય નવઘણભાઈ ચૌહાણ પરિવાર સાથે રહેતા હતા. બે માસ પૂર્વે તેમના મોટા ભાઈ અને રાજસ્થાની ભજનિક ભીખાભાઈ ચૌહાણનું અવસાન થયું હતું. બાદમાં નવઘણભાઈ મોટા ભાઈના અવસાનનો આઘાત સહન કરી ન શકતાં બીમારીમાં પટકાયા હતા અને ગત મોડીરાત્રે પોતાના ઘરે જ અંતિમ શ્વાસ લીધો હતો. આજે સવારે સમાજ દ્વારા તેમની બેન્ડવાજા અને ભારે આતશબાજી સાથે ભવ્ય અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. આ અંતિમયાત્રામાં પરિવારજનો સહિત સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.

નવઘણભાઈની અંતિમયાત્રામાં જોડાયેલા સમાજના અગ્રણી મનોજભાઈએ જણાવ્યું હતું કે નવઘણભાઈ અને તેમના મોટા ભાઈ ભીખાભાઈ ચૌહાણ સમાજ માટે એક પ્રેરણારૂપ હતા. બંને ભાઈઓએ સમાજ માટે અનેક કાર્યો કર્યાં હતાં. એ કાર્યોને સમાજ ક્યારેય ભૂલી શકે એમ નથી. સમાજના અગ્રણીઓએ એમ પણ જણાવ્યું હતું કે બંને ભાઈ સ્વ. ભીખાભાઈ ચૌહાણ અને સ્વ. નવઘણભાઈ ચૌહાણ વચ્ચે રામ-લક્ષ્મણ જેવો પ્રેમ હતો.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે બંને ભાઈઓ રોજ સાથે જ બેસીને જમતા હતા અને એકબીજાની હૂંફ બનીને દિવસો પસાર કરતા હતા, પરંતુ બે માસ પૂર્વે મોટા ભાઈ ભીખાભાઈનું અવસાન થયા બાદ નવઘણભાઈ તેમના અવસાનનો આઘાત સહન કરી શક્યા નહોતા. સતત તેમને યાદ કરીને દિવસો પસાર કરી રહ્યા હતા, જેના કારણે તેમની તબિયત બગડતાં ઘરમાં જ આરામ કરી રહ્યા હતા અને મોડીરાત્રે પોતાના પરિવારને અંતિમ વિદાય આપીને મોટા ભાઈના માર્ગે નીકળી પડ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *