અમદાવાદમાં આવેલા નિત્યાનંદ આશ્રમમાંથી વર્ષ 2019માં બે યુવતી ગુમ થયા મુદ્દે યુવતીઓના પિતા જનાર્દન શર્મા દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં એડવોકેટ પ્રિતેશ શાહ મારફત હેબિયસ કોર્પસ પિટિશન દાખલ કરવામાં આવી હતી. એ મુદ્દે આજે જજ એ.વાય.કોગજે અને રાજેન્દ્ર સારીનની બેન્ચ દ્વારા સાડાચાર વર્ષે ચુકાદો અપાયો હતો. કોર્ટે ચુકાદો આપતાં યુવતીઓના પિતાની હેબિયસ કોપર્સ અરજીનો નિકાલ કર્યો છે.
કોઈએ ગેરકાયદે રીતે ગોંધી રાખી નથી
કોર્ટે ચુકાદો આપતાં જણાવ્યું હતું કે બંને યુવતી સલામત છે. કોર્ટે વીડિયો-કોન્ફરન્સ મારફત બંને યુવતી સાથે વાત કરી છે. તેમને કોઈએ ગેરકાયદે રીતે ગોંધી રાખી નથી. તેઓ તેમની મરજીથી ત્યાં રહે છે અને ત્યાં જ રહેવા માગે છે. તેઓ આધ્યાત્મિક માર્ગે છે અને અન્ય દુનિયાના કેટલાય લોકો આ માર્ગ પર ચાલે છે. બંને યુવતી પુખ્ત છે, જે પોતાનું સારું-નરસું સમજી શકે છે. કોર્ટે યુવતીઓના પિતાની હેબિયસ કોર્પસ અરજીનો નિકાલ કર્યો હતો, સાથે જ હાઈકોર્ટ રજિસ્ટ્રીને કોર્ટે યુવતીઓ સાથે વીડિયો-કોન્ફરન્સ દ્વારા કરાયેલી વાતનું રેકોર્ડિંગ સાચવવા હુકમ કર્યો હતો.
પોતાની મરજી મુજબ તેમણે ઘર છોડ્યું
કોર્ટે બંને યુવતી સાથે 10 જાન્યુઆરી, 2024ના રોજ વીડિયો-કોન્ફરન્સથી વાત કરી હતી, જેમાં યુવતીઓએ કોર્ટને જણાવ્યું હતું કે તેઓ બંને સલામત છે. પોતાની મરજી મુજબ તેમણે ઘર છોડ્યું છે. કોર્ટે સાથે ઝૂમ લિંકથી લગભગ 20થી 25 મિનિટ વાત ચાલી હતી. જોકે કોર્ટે અરજદારના એડવોકેટને પણ યુવતીઓ સાથે વાત કરવા દેવાઈ નહોતી.
અગાઉની સુનાવણી જે અન્ય એક બેન્ચ સમક્ષ ચાલતી હતી, જેમાં અરજદારના એડવોકેટ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે હેબિયસ કોર્પસ પિટિશન હાઇકોર્ટમાં દાખલ કર્યે સાડાચાર વર્ષ જેટલો સમય વીતી ચૂક્યો છે. હજુ સુધી અરજદારની બંને દીકરી મળી નથી, જેથી આ સમગ્ર કેસ યોગ્ય ઓથોરિટીને તપાસ માટે સોંપવામાં આવે. બંને દીકરી નિત્યાનંદિતા અને લોપામુદ્રા જમૈકામાં છે. એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટ્રી દ્વારા આ મુદ્દે જમૈકા સરકારને નોટિસ પણ આપવામાં આવી હતી. જમૈકન સરકારનું કોમ્યુનિકેશન પણ તપાસમાં ધ્યાનમાં લેવાયું છે. જમૈકન સરકારે ગાંધીનગર CID ક્રાઇમ બ્રાન્ચ સાથે કોમ્યુનિકેટ કર્યું છે. બંને યુવતીનો આ મામલો હ્યુમન ટ્રાફિકિંગનો મામલો છે. ઇનવેસ્ટિગેશન ઓફિસર દ્વારા આ મામલે ઇન્ટરપોલ મારફત બ્લૂ કોર્નર નોટિસ પણ જાહેર કરાઈ છે.
પિતા પાસે પરત ફરવા માગતી નથી
આથી જજ દ્વારા ફરીથી બ્લૂ કોર્નર નોટિસ જાહેર કરવા સૂચન આપવામાં આવ્યું હતું. નિત્યાનંદિતા 18 વર્ષની અને લોપામુદ્રા 21 વર્ષની હતી. તેઓ વયસ્ક છે. તે પિતા પાસે પરત ફરવા ઇચ્છતી નથી. આ કેસમાં નિત્યાનંદ અને તેની બે સાધ્વી સામે ચાર્જશીટ ફાઈલ થઈ છે. અરજદારનાં કુલ ચાર બાળકો હતાં. એ ચારેયને નિત્યાનંદ આશ્રમમાં મૂકવામાં આવ્યાં હતાં, જેમાંથી બે બાળકોને રેસ્ક્યૂ કરાઈ દેવાયાં હતાં. અગાઉ દીકરી જ્યારે નિત્યાનંદ આશ્રમમાં હતી ત્યારે એક લેટર મારફત દીકરીએ જણાવ્યું હતું કે તે પોતે 18 વર્ષની વયસ્ક છે, તે પિતા પાસે પરત ફરવા માગતી નથી. જોકે અરજદારના વકીલે કહ્યું હતું કે આ તેની પાસેથી આશ્રમના સંચાલકો દ્વારા કરાવવામાં આવ્યું છે. તેના પિતા તેને ઇમોરલ હ્યુમન ટ્રાફિકિંગમાં નાખવા માગતા હોવાનું તેણે પોલીસને જણાવ્યું છે.