વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઓરવાડમાં આવેલી એક વર્કશોપમાં લોખંડનો સ્લાઈડિંગ ગેટ બંધ કરતી સમયે અકસ્માતે સિક્યોરિટી ગાર્ડ પર પડતાં દબાઈ જવાના કારણે તેનું મોત નીપજ્યું હતું. અકસ્માતની આ ઘટના વર્કશોપમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ હતી. એમાં જોઈ શકાય છે કે સિક્યોરિટી ગાર્ડ ગેટ બંધ કરવા જતાં સર્જાયેલા અકસ્માતમાં તે માત્ર ચાર સેકન્ડમાં જ ગેટ નીચે દબાઈ જાય છે અને તેનું મોત નીપજે છે. પારડી પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આંખના પલકારામાં મોત મળ્યું
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઓરવાડ ગિરિરાજ હોટલની બાજુમાં આવેલા ઓધવ આશિષ વર્કશોપમાં 6 દિવસ પહેલાં જ પ્રમોદ સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરીએ લાગ્યો હતો. વર્કશોપમાંથી એક ટેમ્પો નીકળ્યા બાદ ફરજ પર રહેલો પ્રમોદ વર્કશોપના સ્લાઈડિંગ ગેટને ધક્કો મારીને બંધ કરી રહ્યો હતો. ત્યારે જ અચાનક વિશાળ ગેટ તેના માથે પડતાં તે ભાગી શક્યો ન હતો અને ગેટ નીચે જ દબાઈ ગયો હતો. ધડાકાભેર અવાજ આવતાં જ આસપાસ ઊભેલા અન્ય કામદારો ત્યાં દોડી આવ્યા હતા. જોકે ગેટ એટલો વજનદાર હતો કે 10 લોકોએ ભેગા મળી એને ઊંચક્યો હતો અને પ્રમોદને બહાર કાઢ્યો હતો.
વિશાળ ગેટ પડ્યા બાદ અન્ય કામદારોએ તેને મહામહેનતે બહાર કાઢી તાત્કાલિક વાપીની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો. જોકે ફરજ પરના તબીબ દ્વારા સિક્યોરિટી ગાર્ડને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. એના કારણે અન્ય કામદારોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.