અમેરિકાના જ્યોર્જિયામાં એક ભારતીય વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી હતી. અમેરિકન મીડિયા ફોક્સ ન્યૂઝ અનુસાર, 25 વર્ષના વિદ્યાર્થી વિવેક સૈનીની હત્યા ઘરવિહોણા એક વ્યક્તિએ કરી હતી. તેણે વિવેક પર હુમલો કરતા માથા પર હથોડીના 50 ઘા માર્યા હતા.
વિવેક એક ફૂડ માર્ટમાં કામ કરતો હતો. સ્ટોરની બહાર એક માણસ આવતો હતો, જેની પાસે રહેવા માટે કોઈ ઘર પણ નહોતુ. વિવેક અને સ્ટોરના અન્ય કર્મચારીઓએ આ ઘરવિહોણા વ્યક્તિને રહેવા માટે આશરો આપતા જગ્યા આપી હતી. તે અહીં જ રહેતો હતો. પરંતુ 16 જાન્યુઆરીએ જ્યારે વિવેકે તેને જગ્યા ખાલી કરવા કહ્યું ત્યારે તેણે ગુસ્સામાં આવીને વિવેકની હત્યા કરી નાખી.
આજે આ મામલાની માહિતી આપતા પોલીસે કહ્યું કે જ્યોર્જિયામાં ભારતીય વિદ્યાર્થીની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
ફૂડ માર્ટમાં વિવેક સાથે કામ કરતા એક કર્મચારીએ પોલીસને જણાવ્યું – જુલિયન ફોકનર નામનો વ્યક્તિ અવારનવાર અમારા સ્ટોરની બહાર આવીને બેસી રહેતો હતો. અમે તેને ક્યારેય અહીંથી જતા રહેવાનું કહ્યું નથી. વિવેકે તેને ખાવાનું પણ આપ્યું હતું. એકવાર જુલિયનએ ધાબળો માંગ્યો, અમારી પાસે નહોતો, તો પણ અમે તેને જેકેટ આપ્યું હતું.
શિયાળાની ઋતુ હોવાથી તેને રહેવા માટે ગરમાવા વાળી જગ્યા પણ આપી. અમારાથી બને તેટલું અમે કર્યું. સ્ટોરમાં જુલિયનની અવર- જવર વધી હતી. 16 જાન્યુઆરીએ વિવેકે તેને બીજી જગ્યાએ જવાનું કહ્યું હતું. જો તે નહીં જાય તો પોલીસને બોલાવવામાં આવશે તેવી ધમકી પણ આપવામાં આવી હતી.
આ પછી જુલિયને વિવેક પર હુમલો કરતા તેની હત્યા કરી હતી. વિવેક 2 વર્ષ પહેલા અભ્યાસ માટે અમેરિકા આવ્યો હતો. તેણે હાલમાં જ માસ્ટર્સ પૂરુ કર્યું હતું.