બોટકાંડની સુઓમોટોમાં માગ્યો રાજ્યભરના તળાવોનો એકશન ટેકન રિપોર્ટ

રાજ્યની તમામ વોટર બોડિસમાં એડવેન્ચર સ્પોર્ટ્સ સિવાયની તમામ જગ્યાએ પ્રિકોશન્સ રાખવાની જે વાતો છે તે માત્ર કાગળ ઉપર છે કે ખરેખર અમલ થાય છે તેનો એક્શન ટેકન રિપોર્ટ, કેટલી જગ્યાએ આવી છૂટ આપી છે અને ત્યાં કઈ રીતની વ્યવસ્થા છે. કોર્ટે પોતાનું ઉદાહણ આપતા જણાવ્યું હતું કે, નળ સરોવરમાં જ્યારે બોટિંગ કરવા ગયા ત્યારે આ ઘટના પછી તેમને રિયલાઇઝ થયું કે એ લોકો પ્રાઇવેટ બોટ કે સરકાર દ્વારા ચાલતી ગવર્મેન્ટની બોટમાં કોઈપણ પ્રકારની લાઇફ સેફ્ટી વગર ગયા હતા. જ્યારે આપણી જોડે કંઈ થતું નથી ત્યારે આપણે બેદરકાર રહીએ છીએ એવી પણ હાઇકોર્ટે હળવી ટકોર કરી હતી. હાઇકોર્ટે આ નિર્દેશન વડોદરા હરણી બોટ દુર્ઘટનામાં થયેલી સુઓમોટો અંતર્ગત આપ્યું છે. ઉલ્લેખનીય છે કે, 18 જાન્યુઆરીના રોજ હરણી બોટ દુર્ઘટનામાં 12 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષિકાના લાઇફ જેકેટના અભાવે પિકનિક દરમિયાન મોત નિપજ્યા હતા. ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશને હાઇકોર્ટને સુઓમોટો કરવા અપિલ કરી હતી.

વડોદરા બોટ દુર્ઘટના મામલે હાઇકોર્ટ દ્વારા ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનની રજૂઆત ઉપર સુઓમોટો હાથ ધરવામાં આવી હતી. જેની આજે પહેલી સુનાવણી હતી. જે ચીફ જજ સુનિતા અગ્રવાલ અને જજ અનિરુદ્ધ માયીની બેન્ચ સમક્ષ હાથ ધરવામાં આવી હતી. સુઓમોટો અરજીમાં કોર્ટે કોર્ટ મિત્ર તરીકે હેમાંગ શાહ અને તૃષા પટેલની નિમણૂંક કરી છે. આજની સુનાવણીમાં રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી ઉપસ્થિત થયા હતા. જેમને જણાવ્યું હતું કે, સાંજે 4:45 કલાકે ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ પોલીસ કંટ્રોલરૂમમાં ઘટનાનો ફોન આવ્યો હતો. આ ઘટના વડોદરાના હરણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. જેથી તે પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી. ઘટના બનતા જ રેસ્ક્યુ ઓપરેશન શરૂ થઈ ચૂક્યું હતું. તે જ સમયની આસપાસ યોગેશ પરમારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ફાયર રેસક્યું ટીમને ઘટના અંગે જાણ કરી હતી. સ્થાનિક માણસો પણ બચાવ કામગીરીમાં આવી ગયા હતા. NDRFના સ્ટાફને પણ ડિસ્ટ્રિક્ટ ઓથોરિટીએ બોલાવી દીધો હતો. 15 જેટલી એમ્બ્યુલન્સ ઘટના સ્થળે સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી. તેમજ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ફ્રી ઓફ ચાર્જ સારવાર આપવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *