સુપ્રીમ કોર્ટે શુક્રવારે (19 જાન્યુઆરી) બિલકિસ બાનો ગેંગરેપ કેસમાં 11 દોષિતોની સરેન્ડરના સમયગાળાને વધારવાની અરજીને ફગાવી દીધી હતી. જસ્ટિસ બીવી નાગરથના અને જસ્ટિસ ઉજ્જલ ભુઈયાની બેન્ચે કહ્યું કે દોષિતોએ સરેન્ડર માટેના સમય લંબાવવા માટે જે કારણો આપ્યાં છે તેમાં કોઈ દમ નથી. આ તમામને બે દિવસમાં સરેન્ડર કરવાની સૂચના આપવામાં આવી છે.
દોષિતોએ જે કારણો આપ્યાં તેમાં કોઈ તથ્ય નથી: સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે દોષિતોને આત્મસમર્પણ માટે વધુ સમય આપવાનો ઇનકાર કરીને આત્મસમર્પણ કરવા માટે સમય વધારવાની માગણી કરેલી અરજીને ફગાવી દીધી હતી. હવે તમામ દોષિતોને 21 જાન્યુઆરી સુધીમાં આત્મસમર્પણ કરવું પડશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે 11 દોષિતોએ આત્મસમર્પણ માટેનો સમય લંબાવવા માટે જે કારણો આપ્યાં છે તેમાં કોઈ તથ્ય નથી. આ પહેલાં તમામ દોષિતોએ કૌટુંબિક જવાબદારીઓ અને સ્વાસ્થ્યના કારણોને ટાંકીને સુપ્રીમ કોર્ટમાં આત્મસમર્પણનો સમયગાળો વધારવાની માંગ કરી હતી. જેમાં કેટલાક દોષિતોએ 4 અઠવાડિયાનો જ્યારે કેટલાક દોષિતોએ 6 અઠવાડિયાનો સમય માંગ્યો હતો.
સુપ્રીમ કોર્ટે 8 જાન્યુઆરીના રોજ 2002નાં ગુજરાત રમખાણો દરમિયાન બિલકિસ ગેંગરેપના દોષિતોને સમય પહેલાં મુક્તિ આપવાના રાજ્ય સરકારના નિર્ણયને રદ કર્યો હતો. કોર્ટે તમામ ગુનેગારોને બે સપ્તાહની અંદર એટલે કે 21 જાન્યુઆરી સુધીમાં સરેન્ડર કરવા કહ્યું હતું.