રાજકોટ મનપા દ્વારા છેલ્લા ઘણા સમયથી ગેરકાયદે બાંધકામો હટાવવાની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત આજરોજ મનપાનાં વિવિધ હેતુના અનામત પ્લોટમાં થઈ ગયેલા દબાણો દૂર કરવા માટે ત્રણ ઝોનમાં એકસાથે જ મોટાપાયે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં યુનિવર્સિટી રોડ પર બીટી સવાણી હોસ્પિટલ પાછળ, પીપળીયા હોલ પાસે, રેલનગરમાં પાણીના ટાંકા પાસે તેમજ કોઠારિયામાં ટીપી શાખાનું બુલડોઝર ફરી વળ્યું હતું અને કુલ 26થી વધુ ઝુપડા, પ્લિન્થ લેવલ સુધીના 5 બાંધકામ, 3 ઓરડી, એક ગેરેજ, 10 જેટલા પતરાના શેડ તેમજ એક દુકાન અને કમ્પાઉન્ડ વોલનો કડૂસલો બોલાવી 91.44 કરોડની કિંમતની 15,394 ચો.મી. જમીન ખુલ્લી કરવામાં આવી હતી.
2221 ચો.મી. જમીન ખુલ્લી કરી
મનપાના ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી.સાગઠિયાએ જણાવ્યું હતું કે, લોકસભાની ચૂંટણી જાહેર થાય અને આચારસંહિતા લાગુ પડી જાય એ પૂર્વે ડિમોલિશનની કાર્યવાહી પૂર્ણ કરવા માટે ત્રણેય ઝોનમાં એકસાથે હાલ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં આજે વોર્ડ નં. 10માં કોમર્શિયલ હેતુના રૈયા ટીપી સ્કીમ 16 હેઠળ આવેલા બી.ટી. સવાણી હોસ્પિટલ પાછળના 4776 ચો.મી. પ્લોટમાં 12 ઝૂંપડા તોડી પાડવામાં આવ્યા હતા. અહીં નજીકમાં જ અન્ય એક આવાસ યોજનાના હેતુ માટેના પ્લોટમાં પણ બની ગયેલા 9 ઝૂપડા પણ દૂર કરી 13.42 કરોડની 2221 ચો.મી. જમીન ખુલ્લી કરવામાં આવી હતી.