સુરત શહેરના મુખ્ય માર્ગ એવા રીંગ રોડથી અઠવા લાઈન્સ રોડ પર મેટ્રોની કામગીરી શરૂ થયા બાદ સતત ટ્રાફિકજામના દૃશ્યો સર્જાતા રહે છે. આજે બપોરે મજુરાગેટથી રીંગ રોડ સુધીના બે કિલોમીટરના રોડ પર ટ્રાફિકજામ સર્જાયો હતો. જેના પગલે મજુરાગેટથી રીંગ રોડ સુધી પહોંચવામાં વાહનચાલકોને અટવાવાનો વારો આવ્યો હતો. જે રોડ પરથી વાહનો સડસડાટ પસાર થતા હતા તે જ રોડે નીકળવામાં વાહનચાલકોને 15 મિનિટનો સમય લાગ્યો હતો.
સુરતમાં મેટ્રો પ્રોજેક્ટના બીજા ફેજની કામગીરી રીંગ રોડથી અઠવાલાઇન સુધીના રોડ પર કરવામાં આવી રહી છે. જેના પગલે ઉધના અને મજુરા બ્રિજની નીચે બેરીકેટ લગાવી દેવામાં આવ્યા છે. જેથી તેનો મોટા ભાગનો ટ્રાફિક બ્રિજ પર ડાયવર્ટ થાય છે. આ સાથે જ ઉધના બાદ રીંગ રોડની શરૂઆતના રસ્તા પર અડધા રોડ સુધી બેરીકેટ લગાવી દેવામાં આવ્યા છે.