ગુજરાતમાં કોરોનાની મહામારીએ ફરી માથું ઉચક્યું છે. કોરોનાના કેસોમાં ધીમા પગલે વધારો થઇ રહ્યો છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગ છેલ્લા 1 મહિનાથી સતર્ક બન્યો છે. બધા આરોગ્ય કેન્દ્રોમાં એન્ટીજન તેમજ RTPCR ટેસ્ટની કામગીરી પણ વધારવામાં આવી છે. જેમાં છેલ્લા એક મહિનામાં 1025 એન્ટીજન અને 45 RTPCR ટેસ્ટ કરાયા હતા. જોકે રેલવે અને બસપોર્ટમાં ટેસ્ટિંગ શરૂ કરવા તેમજ પોઝીટીવ કેસના આંકડા જાહેર કરવા રાજ્ય સરકારના આદેશની રાહ જોવાઈ રહી છે.
પ્રાપ્ત વિગત મુજબ કોરોનાની મહામારી ભરડો લે તે પહેલાં કોર્પોરેશન સહિત વહીવટી તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. આ મહામારીના પગપેસારા પર રોક લાગે તે માટે આવશ્યક સાવચેતીના પગલા લેવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. વહીવટી તંત્ર દ્વારા તાજેતરમાં સરકારી હોસ્પિટલોના ઓક્સિજન પ્લાન્ટોની ચકાસણી મોકડ્રીલ યોજી કરવામાં આવી હતી. તેની સાથોસાથ રાજકોટ શહેરમાં મ્યુનિ. કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા પણ છેલ્લા એક માસ દરમિયાન કોરોનાના 1070 જેટલા ટેસ્ટ પણ કરવામાં આવ્યા છે.
આરોગ્ય અધિકારી જયેશ વાંકાણીનાં જણાવ્યા મુજબ રાજકોટ મનપાનો આરોગ્ય વિભાગ છેલ્લા એક માસથી કોરોના સામે લડવા સતર્ક બન્યો છે. શહેરના તમામ આરોગ્ય કેન્દ્રોમાં શંકાસ્પદ જણાતા દર્દીઓનાં કોરોનાનાં ટેસ્ટ કરવા સહિતની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેમાં ડિસેમ્બર મહિનામાં કુલ 1070 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 1025 એન્ટીજન અને 45 RTPCR ટેસ્ટ સામેલ છે. જોકે રેલવે સ્ટેશન અને બસપોર્ટ ખાતે ટેસ્ટ માટેના કોઈ આદેશ નહીં હોય આવી કોઈ કાર્યવાહી હાલ શરૂ કરવામાં આવી નથી. આ સાથે સોશિયલ ડિસ્ટન્સ તેમજ ફરજિયાત માસ્ક જેવા કોઈપણ આદેશો હજુસુધી રાજ્ય સરકારે જાહેર કર્યા નથી.