જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં સગીરાના અપહરણની ઘટના સામે આવી છે. એક તરફી પ્રેમમાં પાગલ શખ્સે મિત્ર સાથે મળીને સ્કૂલે જતી સગીરાનું કારમાં અપહરણ કર્યું હતું. બુધવારે વહેલી સવારે ઘટેલી અપહરણની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. જે સીસીટીવીના આધારે પોલીસે આરોપીઓને ઝડપીને આગળની તપાસ હાથ ધરી છે.
અપહરણની ઘટના અંગે મળતી માહિતી મુજબ વિસાવદરમાં રહેતી સગીરા ધોરણ 11માં અભ્યાસ કરે છે. જે બુધવારે વહેલી સવારે પોતાની બહેનપણીઓ સાથે શાળાએ જવા નીકળી હતી, ત્યારે જય મયૂર સખાનંદી અને રિયાઝ સલીમભાઈ નાગોરી નામના બે શખ્સો સ્વિફ્ટ કાર લઇને આવ્યા હતા અને સગીરાને આંતરીને બળજબરીથી કારમાં બેસાડી દીધી હતી. આ ઘટના અંગે સગીરાના પિતાને જાણ થતાં તેમણે અપહરણની ફરિયાદ નોંધાવી હતી.
સગીરાના પિતાની ફરિયાદ મળતાં પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી હતી. પોલીસે સીસીટીવીમાં દેખાતી કારમાં તપાસ કરતાં તે કાર રાજકોટના લોધિકા તરફ જતી દેખાઇ હતી. જેથી પોલીસે કાર ઝડપી પાડી હતી. જોકે, ત્યાંથી સગીરા મળી આવી નહોતી. પોલીસે તપાસ કરતાં સગીરા અને આરોપી ઝાંઝરડા રોડ નજીક એક એપાર્ટમેન્ટમાં રોકાયાં હતાં.
એક આરોપી સગીરાના એક તરફી પ્રેમમાં હતો: DySP
આ અંગે ડીવાયએસપી હિતેશ ધાંધલ્યાએ જણાવ્યું હતું કે, સગીરાનું ગઇકાલે બે શખ્સોએ અપહરણ કર્યું હતું. જેમાં સીસીટીવી, મોબાઇલ નંબર અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે ટ્રેસ કરીને બંને આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે. આ અપહરણ એક તરફી પ્રેમમાં થયું હતું. જય મયૂર સખાનંદી સગીરાના એક તરફી પ્રેમમાં હતો, જેણે તેના મિત્ર રિયાઝ સલીમભાઈ નાગોરી સાથે મળીને કારમાં અપહરણ કર્યું હતું.