કોરોના JN.1નું નવું વેરિયન્ટ દેશના 8 રાજ્યોમાં ફેલાયું છે. અત્યાર સુધીમાં દેશભરમાં કુલ 109 કેસ મળી આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં જ આ વેરિયન્ટના 40 દર્દી મળી આવ્યા છે. જેમાંથી સૌથી વધુ 36 ગુજરાતમાં છે.
બીજી તરફ દેશભરમાં દરરોજ કોરોનાના 400થી 600 કેસ સામે આવી રહ્યા છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં 529 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, 603 દર્દીઓ સાજા થયા છે અને 3નાં મોત થયા છે. અગાઉ સોમવારે 638 નવા દર્દી મળી આવ્યા હતા, જ્યારે મંગળવારે 412 નવા દર્દીઓ મળી આવ્યા હતા.
દેશમાં એક્ટિવ કેસની કુલ સંખ્યા 4093 પર પહોંચી ગઈ છે. એટલે કે આ દર્દીઓ સારવાર હેઠળ છે. તેમાંથી સૌથી વધુ સંક્રમિતોની સંખ્યા કેરળમાં 353, કર્ણાટકમાં 74 અને મહારાષ્ટ્રમાં 37 છે.
દેશમાં પ્રથમ કોરોના પોઝિટિવ કેસ ફેબ્રુઆરી 2020માં મળ્યો હતો. ત્યારથી અત્યાર સુધીમાં દેશમાં 4.50 કરોડ લોકો આ વાઇરસથી સંક્રમિત થયા છે. 4.44 કરોડ લોકો સાજા થયા છે જ્યારે 5.33 લાખ મૃત્યુ પામ્યા છે.
અહેવાલો અનુસાર, મોટાભાગના દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે. નવા વેરિઅન્ટના આવવાથી પણ હોસ્પિટલમાં દાખલ થવાનો દર વધ્યો નથી.