વૃદ્ધાના સોનાના બૂટિયા ઉતારી બે ગઠિયા નાસી ગયા

શહેરમાં ગુનાખોરીનો આંક નીચો બતાવવા માટે કાયદો વ્યવસ્થાની સ્થિતિ સુધારવાને બદલે શહેર પોલીસે ગુના નોંધવાનું ઓછું કર્યાની ઘટનાઓ દરરોજ સામે આવી રહી છે, અને પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ પણ પૂર્વ કમિશનર અગ્રવાલના માર્ગે ચાલી રહ્યાની ચર્ચાઓએ જોર પકડ્યું છે, શહેરના પારેવડી ચોકમાં રવિવારે સાંજે બે ગઠિયા વૃદ્ધાના સોનાના બૂટિયા ઉતરાવીને નાસી ગયા હતા, આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ છે, પરંતુ બી.ડિવિઝન પોલીસે ગુનો નોંધવાને બદલે અરજીના આધારે તપાસ શરૂ કરી હતી.રામનાથ નદીના કાંઠે સીતારામનગરમાં રહેતા શારદાબેન કેશુભાઇ રાતોજા (ઉ.વ.70) રવિવારે સાંજે સિટી બસમાંથી પારેવડી ચોકે નીચે ઉતરીને ચાલીને પોતાના ઘર તરફ જવા નીકળ્યા હતા, વૃદ્ધા ડિસ્ટ્રિક્ટ બેંકની બ્રાંચ પાસે પહોંચ્યા હતા ત્યારે બે ગઠિયાઓ તેમની પાસે આવ્યા હતા અને વૃદ્ધા સાથે વાતચીત શરૂ કરી, ગઠિયાઓએ વૃદ્ધા પાસે રહેલું પર્સ અને તેમના ચપ્પલ એક કાપડમાં બંધાવ્યા હતા, થોડીવાર બાદ વૃદ્ધા અર્ધબેભાન જેવા થઇ ગયા હતા, વૃદ્ધા ભાનમાં આવ્યા ત્યારે તેમણે બંને કાનમાં પહેરેલા સોનાના બૂટિયા ગાયબ હતા અને તે બંને શખ્સ પણ નાસી છૂટ્યા હતા.ઘટનાને પગલે શારદાબેન અને તેના પરિવારજનો બી. ડિવિઝન પોલીસ સ્ટેશને દોડી ગયા હતા, પોલીસે ગુનો નોંધવાને બદલે અરજી લઇ તપાસ શરૂ કરી હતી, પોલીસે ઘટનાસ્થળ નજીકના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતાં ઘટના અને બંને આરોપીઓ કેમેરામાં કેદ થઇ ગયા હતા, પોલીસે ફૂટેજના આધારે બંનેની શોધખોળ શરૂ કરી છે, નર્સ પર થયેલા દુષ્કર્મના પ્રયાસની ઘટનામાં જેમ ગુનો નોંધવામાં આવ્યો નથી તેમજ આ ઘટનામાં પણ પોલીસે માત્ર અરજી લીધી છે, આરોપી હાથ આવશે ત્યારે પોલીસ અધિકારીઓ પત્રકાર પરિષદ યોજીને પોતાની જાંબાઝી બતાવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *