ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ દારૂની રેલમછેલ જોવા મળતી હોય છે. રાજકોટ શહેર પોલીસ દ્વારા છેલ્લા એક વર્ષમાં 2.68 કરોડનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો. આજે રાજકોટ- અમદાવાદ હાઇવે પર સોખડા ગામ નજીક પોલીસે રૂ.2.68 કરોડનાં વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવીને તેનો નાશ કર્યો હતો.
12 પોલીસ સ્ટેશનમાં રહેલો જથ્થો નાશ કરાયો
રાજકોટ શહેર પોલીસ દ્વારા વર્ષ 2023માં એક વર્ષ દરમિયાન રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ તેમજ 12 પોલીસ સ્ટેશનમાં મળી કુલ 2.68 કરોડનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. જેમા ઝોન-1 હેઠળ આવેલ પોલીસ સ્ટેશન દ્વારા પ્રોહિબિશનના કુલ 274 ગુનામાં કબજે કરવામાં આવેલ વિદેશી દારૂ બિયરની કુલ 45,000 બોટલ, જેની કિં.રૂ. 1.16 કરોડ તથા ઝોન-2 હેઠળ આવેલ પોલીસ સ્ટેશન દ્વારા શોધી કાઢવામાં આવેલ પ્રોહિબિશનના કુલ 261 ગુનામાં કબજે કરવામાં આવેલ વિદેશી દારૂની કુલ 12,320 બોટલો જેની કુલ કિંમત રૂ.37 લાખ અને રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શોધી કાઢવામાં આવેલ પ્રોહિબિશનના કુલ 80 ગુનામાં કબજે કરવામાં આવેલ દારૂ તથા બિયરની કુલ 29,000 બોટલો મળી રાજકોટ શહેરમાં 88,000 જેની કુલ કિ.રૂ.2.68 કરોડનો દારૂ નાશ કરવામાં આવ્યો છે.