બે કોવિડ કેસ ગાંધીનગરમાંથી મળ્યા

આજે રાજ્યના પાટનગર ગાંધીનગરના સેક્ટર 6 વિસ્તારની બે સગી બહેનોનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. કેરલામાં મળેલો નવો વેરિયન્ટ હોવાની શંકા છે. દક્ષિણ ભારતનો પ્રવાસ કરીને બંને બહેનો ગાંધીનગરમાં આવી હતી. આ બન્ને બહેનોના સંપર્કમાં આવેલા તમામ લોકોની તપાસ હાથ ધરાઈ છે. બંને બહેનોએ વેક્સિનના બંને ડોઝ લીધા છે. સેક્ટર 6 વિસ્તારમાં સર્વેલન્સ વધારવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા બંને બહેનોના સેમ્પલ લઈ જીનોમ સિકવન્સિંગ માટે મોકલી આપ્યા છે.

આરોગ્ય તંત્રમાં દોડધામ મચી
દેશભરમાં કોરોનાનાં કેસમાં ફરી ઉછાળો આવી રહ્યો છે. કર્ણાટકમાં સરકારે કોવિડ – 19 કેસોને લઈને કોરોના ગાઈડનું પાલન કરવાની પણ એડવાઈઝરી જાહેર કરી દેવાઈ છે. એવામાં રાજયના પાટનગર ગાંધીનગરમાં સત્તાવાર રીતે કોરોનાની એન્ટ્રી થઈ ચૂકી છે. એક તરફ વાઈબ્રન્ટ સમિટને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તો બીજી તરફ સેક્ટર – 6 ની બે મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવતાં આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ છે.

બન્ને બહેનોને હોમ આઈસોલેટ કરી સારવાર શરૂ કરાઈ
આ બંને બહેનો દક્ષિણ ભારતનાં કર્ણાટક સહિતના શહેરોની સહેલગાહથી પરત ગાંધીનગર ફર્યા હતા. જેઓને છેલ્લા કેટલાક દિવસથી શરદી, ખાંસી અને તાવ આવતો હતો. ત્યારે આરોગ્યની ટીમ દ્વારા બંનેનો કોરોના રિપૉર્ટ કરાવવામાં આવ્યો હતો. જે રીપોર્ટમાં બંને બહેનોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ હોવાની સત્તાવાર પુષ્ટિ થઈ છે. જેઓને હાલમાં હોમ આઈસોલેટ કરી સારવાર આપવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *