સુરત પોલીસ ચોપડે નોંધાયેલા ગંભીર પ્રકારના ગુનામાં નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા સુરત પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા ‘ઓપરેશન ફરાર’ અંતર્ગત સુરત પીસીબીને આખરે સફળતા મળી છે. પીસીબીની ટીમે પોલીસ કર્મચારીની હત્યા તેમજ લૂંટ, ધાડ સહિત લોકઅપ તોડી ભાગી છૂટેલા પારઘી ગેંગના મુખ્ય સૂત્રધારને 19 વર્ષે મુંબઈ ખાતેથી ધરપકડ કરી છે. આ આરોપીને પકડવા પોલીસે 5 હજારનું ઇનામ પણ જાહેર કર્યું હતું. આરોપી મુંબઈ કુર્લા ખાતે ભીખ માંગવાનું કામ કરતો હોવાથી ત્રણ દિવસ સતત વોચમાં રહી આરોપીને ઝડપી પાડવામાં અંતે પોલીસને સફળતા મળી હતી.
સુરત શહેર પોલીસ ચોપડે નોંધાયેલા ગંભીર પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા શહેર પોલીસ કમિશનર દ્વારા શહેર પીસીબીને ખાસ સૂચના આપી છે. ગંભીર પ્રકારના ગુનામાં ફરાર ટોપ 16 આરોપીઓની શહેર પોલીસ દ્વારા એક યાદી બનાવી ઇનામ પણ જાહેર કરવામાં આવ્યા છે. જે આરોપીઓ અંગેની માહિતી આપનાર અથવા પકડી પાડનાર પોલીસ જવાનોને ઇનામ પણ જાહેર કરવામાં આવે છે. જે અન્વયે ટોપ 16 યાદીમાં સામેલ અને પોલીસ કર્મચારીની હત્યા, લૂંટ અને ધાડ સહિત લોકઅપ તોડી ફરાર થઇ ગયેલા મુખ્ય સૂત્રધારની છેલ્લાં 19 વર્ષે ધરપકડ કરવામાં સુરત પીસીબીને સફળતા હાથ આવી છે.
સુરત પોલીસ કમિશનર અજય તોમરના જણાવ્યા અનુસાર, પીસીબીને મળેલી માહિતીના આધારે મુંબઈના કરજણ ખાતેથી ગંભીર પ્રકારના ગુનામાં સંડોવાયેલા ઇનામી આરોપીને ઓપરેશન ફરાર અંતર્ગત ઝડપી પાડ્યો છે. પીસીબીની ટીમને માહિતી મળી હતી કે, વર્ષ 2004માં ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પોલીસ કર્મચારીની હત્યા અને લૂંટના પ્રયાસના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજુ ઉર્ફે સુદર્શન ખંડું પવાર મુંબઈ કુર્લા રેલવે સ્ટેશન અને ઘાટકોપર રેલવે સ્ટેશન ખાતે ભીખ માંગવાનું કામ કરે છે અને સ્ટેશનની આસપાસ જ રહે છે.