અંત્રોલીથી અમદાવાદ આવતી ST બસમાં ઊભા રહેવાની પણ જગ્યા નહીં

ગામડે ગામડે મુસાફરોને કામકાજ તથા વિદ્યાર્થીઓને અભ્યાસ અર્થે સમયસર સ્કૂલ-કોલેજ પહોંચવા માટે ગુજરાત એસટી વિભાગ દ્વારા બસના રૂટ શરૂ કરાયા છે. ત્યારે આજે આપણે વાત કરીશું મોડાસાના અંત્રોલીથી અમદાવાદ આવતી ST બસની કે જેમાં 140થી 152 જેટલા મુસાફરો દરરોજ સવારી કરી રહ્યા છે. અંત્રોલીથી અમદાવાદ વચ્ચેના રૂટ પર આવતાં ગામડાઓના લોકો અને વિદ્યાર્થીઓ આ બસનો ઉપયોગ કરે છે, પરંતુ આ રૂટ પર માત્ર એક જ બસ હોવાથી મુસાફરોને ભારે હાલાકી ભાગવવી પડે છે. બીજી બસ શરૂ કરવા અનેક રજૂઆત કરી હોવા છતાં કોઈ નિરાકરણ આવ્યું ન હોવાથી દધાલિયા પાસે ગ્રામજનોએ બસનો રોકી વિરોધ કર્યો હતો અને તાત્કાલિક આ રૂટ પર બીજી બસ શરૂ કરવા માગ કરી હતી.

અરવલ્લી જિલ્લાના મોડાસાના દધાલિયા પાસે અંત્રોલીથી અમદાવાદ આવતી એસટી બસમાં દરરોજ ઓવરલોડ મુસાફરો ભરતા ગ્રામજનોએ બસ રોકી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આ બસમાં રોજબરોજ 140થી વધુ મુસાફરો બસમાં સવાર હોવાને લઈ ડેપો મેનેજરને વારંવાર રજૂઆત કરવા છતાંય ધ્યાને લેવામાં ન આવતા મુસાફરોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો.

RTOના નિયમ વિરુદ્ધ અંત્રોલી-અમદાવાદ બસમાં મુસાફરોને ઠસોઠસ ભરી દેવામાં આવતા મુસાફરોને હાલાકી વેઠવી પડી રહી છે. બસચાલકે બસ રોકવાની ઘટનાને લઈ ડેપો મેનેજરને જાણ કરી હતી. સ્કૂલ-કોલેજના ટાઇમે વિદ્યાર્થીઓએ બીજી બસ શરૂ કરવા તંત્ર પાસે માગ કરી હતી. બસમાં કેપિસીટીથી ત્રણ ગણા વધુ મુસફરોને ભરવાથી કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોની એવા અનેક સવાલો ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *