રાજ્યમાં બુધવાર સુધી ઠંડીનો ચમકારો રહેશે

જૂનાગઢ સહિત સોરઠમાં મંગળવારે સવારે 1.3 ડિગ્રી તાપમાન ઘટતાં ઠંડી વધી હતી જ્યારે ગિરનાર પર પ્રથમ વખત મોસમનું સૌથી નીચું 8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ગિરનાર પર્વત પર સોમવારે લઘુતમ તાપમાન 9.3 ડિગ્રી રહ્યા બાદ મંગળવારે સવારે તાપમાનનો પારો 1.3 ડિગ્રી નીચે ઊતરીને 8 ડિગ્રીએ સ્થિર થયો હતો. જૂનાગઢ શહેરનું લઘુતમ તાપમાન 13 ડિગ્રી નોંધાયું હતું. ગિરનાર પર્વતીય વિસ્તારમાં કડકડતી ઠંડીને કારણે પ્રવાસીઓ, પર્વત પર વેપાર-ધંધો કરતા લોકો ઠૂંઠવાયા હતા. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 83 ટકા રહ્યું હતું. જેના પરિણામે ઠંડીની તીવ્રતા વધતા લોકોની મુશ્કેલીમાં પણ વધારો થયો હતો.

બીજી તરફ બપોરનું મહત્તમ તાપમાન 29.6 ડિગ્રી નોંધાયું હતું અને વાતાવરણમાં ભેજ ઘટીને 26 ટકા થઈ જતા ગરમી અનુભવાઇ હતો. આમ એક દિવસમાં બે ઋતુનો અહેસાસ થયો હતો. દિવસ દરમિયાન પવનની પ્રતિ કલાકની ઝડપ 1.3 કિલોમીટરની રહી હતી. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના ધીમંત વઘાસીયાએ જણાવ્યું હતું કે, બુધવાર સુધી ઠંડીનો ચમકારો રહેશે. બાદમાં 1 સપ્તાહ તાપમાન સામાન્ય રહેશે. આ પછી ઠંડી વધશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *