ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસના સાંસદ ધીરજ સાહુના આવાસ પર આવકવેરાના દરોડાનો અંત આવ્યો. 6 ડિસેમ્બરથી દરોડા પાડવામાં આવી રહ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, અત્યારસુધી કુલ 354 કરોડ રૂપિયા મળ્યા છે, જોકે ઘણી જગ્યાએ આ આંકડો 500 કરોડ રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે.
હવે આવકવેરા વિભાગની ટીમ માત્ર ધીરજ સાહુના રાંચીના નિવાસસ્થાને હાજર છે. વિભાગનાં સૂત્રોનું કહેવું છે કે અહીં દરોડા પણ આજે સમાપ્ત થઈ શકે છે. દેશના ઈતિહાસમાં આ સૌથી મોટી રિકવરી છે. આ મામલે આજે સત્તાવાર માહિતી શેર કરવામાં આવી શકે છે.
બોલાંગીર સ્ટેટ બેંક ઓફ ઓડિશામાં ગણતરી કરી રહેલા બેંકના વડા ભગત બેહેરાએ રવિવારે મોડી રાત્રે કહ્યું હતું કે 176 બેગની ગણતરી પૂર્ણ થઈ ગઈ છે, જેમાં 305 કરોડ રૂપિયા રોકડા મળ્યા છે. એ જ સમયે તિતલાગઢમાં સાહુ બ્રધર્સના ભાગીદાર દીપક સાહુ અને સંજય સાહુના ઘરેથી 11 કરોડ રૂપિયા અને સંબલપુરમાં બલદેવ સાહુ સન્સ અને ગ્રુપ કંપનીઓની દારૂની ભઠ્ઠીમાંથી 37.50 કરોડ રૂપિયા મળ્યા હતા. સંબલપુર સ્ટેટ બેંકમાં આ નોટોની ગણતરી ચાલી રહી હતી. શનિવારે રાત્રે 9 કલાકે ગણતરી પૂર્ણ થઈ હતી.
ઈન્કમટેક્સ સૂત્રોના જણાવ્યા અનુસાર, લોહરદગામાં રહેઠાણમાંથી 11 કરોડ રૂપિયા અને રાંચીમાંથી 3 કરોડ રૂપિયા મળ્યા છે. ટેક્સચોરીના કેસમાં સાહુ ગ્રુપ પર આવકવેરા વિભાગના દરોડા 6 ડિસેમ્બરથી ચાલુ છે.